Get The App

ધંધામાં ખોટ જતાં લેણું ચૂકવવા કારખાનેદાર રૂા. 62 લાખના હીરા લઈ નાસી ગયો હતો

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
ધંધામાં ખોટ જતાં લેણું ચૂકવવા કારખાનેદાર રૂા. 62 લાખના હીરા લઈ નાસી ગયો હતો 1 - image


- હીરાના 3 વેપારી પાસેથી હીરા લઈ કારખાનેદાર રફૂચક્કર થયો હતો 

- ભાવનગર ડાયમંડ એસો.એ દબાણ વધારતા પોલીસે ગણતરીના કલાકોમાં જ કારખાનેદારને હીરા સહિત રૂા. 58.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો

ભાવનગર : હીરાના કારખાનેદારે શહેરના હિરાના ત્રણ વેપારીને સારા વળતરની લાલચ આપી તમામ પાસેથી ઉધારમાં રૂ.૬૨.૭૮ લાખનાં હીરા મેળવી પરિવાર સાથે રફૂચક્કર થયેલો હીરાનો કારખાનેદાર ગણતરીના કલાકોમાં રૂા.૫૮.૮૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં પોલીસ સમક્ષ ભાંગી પડયો હતો. અને લેણું ચૂકવવા ઠગાઈનો શોર્ટકટ વાપર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

બનાવની વિગત એવી છે કે, શહેરના ચિત્રા પ્રેસ કવાર્ટર વિસ્તારમાં રહેતા અને બોરતળાવ વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતાં રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ(પટેલ)એ ભાવનગર શહેરના હીરાના વેપારી લલિતભાઈ છગનભાઈ વઘાસિયા પાસેથી રૂા.૪૧,૪૭,૦૨૫, શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડા પાસેથી . રૂા.૧૦,૩૦,૯૦૫  તેમજ  ભીખાભાઈ મોણપરા પાસેથી રૂા.૧૧,૦૦,૪૦૦ની કિંમતના હીરા સારા વળતર સાથે ઉંચા ભાવે હીરા વેચાવી દેવાની લાલચ આપી ઉધારમાં લીધા હતા. જો કે, સમય માર્યાદા સુધીમાં ત્રણેય વેપારીને હીરા કે નાણાં ન મળતાં તેમણે હીરા કારખાનેદારના કારખાને, ઓફિસ તથા ઘરે તપાસ કરી હતી. જેમાં કારખાનેદાર ઉક્ત ત્રણેય પાસેથી કુલ રૂા.૬૨.૭૮ લાખની કિંમતના હીરા લઈ પોતાનું ઘર, ઓફિસ અને કારખાનાને તાળા મારી પરિવાર સાથે રફુચક્કર થઈ ગયો હતો. બનાવને લઈ કારખાનેદાર વિરૂદ્ધ  શહેરના નિલમબાગ અને બોરતળાવ પોલીસ મથકમા ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ ફરિયાદની સાથોસાથ, ભાવનગર ડાયમંડ એસોસિએશનનું પણ દબાણ હોય પોલીસે ફરાર કારખાનેદારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.દરમિયાનમાં ગત શનિવારની મોડી રાત્રીના સમયે ભાવનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ(પટેલ)ને શહેરના  વિદ્યાનગર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.પોલીસે તેના કબ્જામાંથી રૂ.૫૫,૫૫,૭૫૭ ની કિંમતના ં હીરા,રોકડા રૂા.૨ લાખ, ફોર વ્હીલ કાર તથા મોબાઈલ મળી કુલ રૂ.૫૮,૮૫,૭૫૭ નો મુદ્દામાલ કબ્જે  કર્યો હતો. પોલીસની કબૂલાતમાં કારખાનેદાર પોપટની જેમ બોલવા લાગ્યો હતો જેમાં તેણે જણાવ્યું કે, હીરા અને સોડાના ધંધામાં ખોટ જતાં તેના પર લેણૂં થઈ ગયું હતું. જે લેણૂં ચૂકવવા માટે તેણે આ કીમિયો અજમાવ્યો હતો. પોલીસ પૂછપરછના અંતે એલસીબી કારખાનેદાર રમેશને નિલમબાગ પોલીસ મથકમાં સોંપી આપ્યો હતો.આ બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.નિલમબાગ પોલીસની પૂછપરછના અંતે કારખાનેદારને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. જો કે, બાદમાં તેને બોરતળાવ પોલીસ પણ ધરપકડ કરશે તે અત્રે ઉલેલખનિય છે. 


Google NewsGoogle News