ઝૂલતા પૂલ કાંડના મુખ્ય આરોપી જાહેર કાર્યક્રમમાં દેખાતા વિવાદ
ગુનાહિત બેદરકારીથી 134 નિર્દોષોના જીવ ગયા હતા તે મોરબીના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી : ઓરેવાના જયસુખ પટેલ શરતી જામીન પર છે : 3 દિવસની ખાસ મંજૂરી મેળવી હાજર રહ્યાનો બચાવ
રાજકોટ, : મોરબીના મચ્છુનદી પર આવેલા ઝૂલતાપૂલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ રાખીને બાદમાં તેની મજબૂતાઈ ચકાસ્યા વગર ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે ખુલ્લો મુકી દેતા અને પૂલ પર ઓવરલોડ મુલાકાતીઓ ન થાય તે માટે સિક્યુરિટી વ્યવસ્થા નહીં રાખતા બે વર્ષ પહેલા તા. 30-10-2022ના ઝૂલતાપૂલ ધસી પડતા 134થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને આ ભયાનક દર્દનાક બનાવને આજે પણ લોકો વિસરી શક્યા નથી. ત્યારે આ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલ મોરબીના એક જાહેર કાર્યક્રમમાં નજરે પડતા વિવાદ જાગ્યો છે.
આ અંગે ઝૂલતાપૂલના પીડિત પરિવારોના સંગઠને જણાવ્યું કે આજે પણ માનવસર્જિત આ દુર્ઘટનાના પીડિત પરિવારો આ અસહ્ય વેદનાને વિસરી શક્યા નથી, ઓરેવાના માલિક જયસુખ પટેલની જામીન અરજી અગાઉ નામંજુર થઈ હતી અને બાદમાં તેને મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવાની શરતે જામીન મંજુર કરાયા હતા.કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઝૂલતાપૂલ કાંડના આ મુખ્ય આરોપી બેધડક મંચ ઉપર મુખ્ય મહેમાન બનીને આગલી હરોળમાં હાજર રહ્યા હતા.
મોરબીથી મળતા અહેવાલ મૂજબ જયસુખ પટેલને તા. 13, 14, 15 નવેમ્બર એ ત્રણ દિવસ પુરતી મોરબી વિસ્તારમાં પ્રવેશવાની છૂટ મળી છે તે છૂટનો લાભ લઈને તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પરંતુ, પીડિત પરિવારોએ જણાવ્યું કે આવી અતિ દર્દનાક ઘટનાના મુખ્ય આરોપી આ રીતે મોરબી પંથકમાં જ અને તે પણ સરાજાહેર કાર્યક્રમમાં મહેમાન બનીને હાજર રહે તે ઘા પર મીઠું ભભરાવવા જેવી લાગણી સર્જે છે.