ગોપાલક સમાજની કુળવર્ધિનિ મહી નદીને ગાયના દૂધથી અભિષેક કરાયો
- વાસદ, વહેરાખાડી, ફાજલપુરમાં મહી બીજ ઉત્સવ મનાવાયો
- મહી અને દરિયાદેવના લગ્નમાં ગોપાલકે કન્યાદાન કર્યાની લોકવાયકા : રબારી સમાજ બીજના દિને ગાયનું દૂધ વેચતા નથી
આણંદ : મહી નદી પ્રત્યે ણ સ્વીકારવાનો ઉત્સવ એટલે મહી બીજ ઉત્સવ. ખાસ કરીને ગોપાલક સમાજ મહા સુદ બીજના પવિત્ર દિવસે મહી નદીમાં સ્નાન કરી, પૂજન કરે છે. આ પરંપરા પાછળ આસ્થા સાથે નદીના સંરક્ષણનો ભાવ પણ રહેલો છે.
રબારી સહિતના ગોપાલક સમાજ દ્વારા મહી બીજની ઉજવણી પાછળ પણ એક રોચક આસ્થાકથા વણાયેલી છે. કથા પ્રમાણે લોકમાતા મહીના જ્યારે દરિયાદેવ (સાગર) સાથે લગ્ન યોજાયા ત્યારે ગોપાલક સમાજના વ્યક્તિએ ચોથા મંગળફેરાએ તેમનું સવા રૂપિયો અર્પણ કરીને કન્યાદાન કર્યું હતું. આણંદ જિલ્લાના મહી અને સાગરના સંગમબિંદુ જેવા વહેરા ખાડી ગામે આ લગ્ન યોજાયા હોવાની લોકવાયકા પ્રસિદ્ધ છે.
પરંપરાના પાલનરૂપે મહાસુદ બીજને રબારીઓ તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે, આ અવસરે આજે શુક્રવારે આણંદ જિલ્લાના વાસદ મહીસાગર માતાજીના મંદિર, મહીસાગર સંગમ તીર્થ (વહેરાખાડી) તેમજ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્યામાં, પરંપરાગત વેશભૂષા, આભૂષણોમાં સજ્જ થઈ કુળવર્ધિનિ લોકમાતા મહીસાગરનો ભક્તિભાવપૂર્વક ખોળો ખૂંદ્યો હતો. મહીસાગર માતાના દૂગ્ધાભિષેક, પવિત્ર સ્નાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી બંધુઓ સપરિવાર મહીના કાંઠે ઉમટી પડયા હતા.
ઉજવણી બાદ પ્રસાદરૂપે ખાલી કેનમાં મહીમાતાનું પાવન જળ શ્રદ્ધાળુઓ ભરી જાય છે અને ઘેર જઇને પ્રસાદરૂપે સાથે લાવવામાં આવેલા મહીજળનો પશુધન અને ઘરસંપદા પર છંટકાવ કરવામાં આવે છે. રબારી સમાજના લોકો બહુધા મહી બીજના દિવસે ઘરની ગાયના દૂધનું વેચાણ પણ કરતાં નથી. સાંજના ઘરના દૂધની ખીર અને સુખડી બનાવે છે. સહુ ભક્તિભાવપૂર્વ સંધ્યાકાળે બીજના ચંદ્રમાના દર્શન કરે છે.
તે પછી મહીસાગર માતાને ખીર અને સુખડીનો નૈવેદ્ય ધરાવીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે. મહીસાગર કાંઠે મહા બીજનો આ પાવન અવસર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યો હતો.