જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આરંભ, ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું ગિરનાર
MahaShivratri Mela Junagadh: જૂનાગઢમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રિ મેળા અંગેનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. વાહન સહિતના પાસ મેળવવા ધસારો થયો છે. અન્નક્ષેત્રોમાં સ્વયંસેવકો મીઠાઈ-ફરસાણ સહિતની રસોઈ બનાવવામાં લાગી ગયા છે. ત્યારે આજે (22મી ફેબ્રુઆરી) જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરીને મેળાની શરુઆત કરાઈ હતી. જેમાં અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, જૂનાગઢ પોલીસ દ્વારા AI ટૅક્નોલૉજીના માધ્યમથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને પાર્કિંગ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવશે.
AI ટૅક્નોલૉજી દ્વારા પાર્કિંગની સુવિધા મળશે
જૂનાગઢ ખાતે શનિવારથી પાંચ દિવસ માટે શિવરાત્રિના મેળામાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવશે. અલગ-અલગ જિલ્લામાંથી આવતાં શ્રદ્ધાળુઓને પોતાના વાહનો પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસે AI ટૅક્નોલૉજી અપનાવી છે. જેમાં Park easy ચેટબોટનો ઉપયોગ કરાયો છે. શ્રદ્ધાળુઓ QR કોડ સ્કેન કરીને નજીકમાં પાર્કિંગની સુવિધા મેળવી શકશે. જેમાં QR કોડ સ્કેન કરતાં, WhatsApp ચેટબોટ ખૂલશે અને તેમાં શ્રદ્ધાળુઓએ 'Hi' મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ તેમને જવાબમાં પોતાના જે-તે જિલ્લાની પસંદગી કરવાનું જણાવવામાં આવશે અને તે ક્લિક કરતાં જે-તે જગ્યાએ પાર્કિંગ માટેનું ઓટોમેટિક ગુગલ મેપનું લોકેશન પ્રોવાઇડ કરવામાં આવશે. જેના થકી શ્રદ્ધાળુઓ આપેલા લોકેશન પર પોતાનું વાહન પાર્કિંગ કરી શકશે. જ્યારે મેળામાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુ આવવાના છે, ત્યારે ભીડમાં કોઈ વ્યક્તિ પરિવારથી વિખૂટા પડી જાય તો પરિવારને શોધવા માટે 10 PRO સિસ્ટમ પણ ગોઠવી દેવામાં આવી છે.
જૂનાગઢ તંત્રએ પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરુ કર્યું
મહાશિવરાત્રિ મેળામાં પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે આ વર્ષે ખાસ પ્રયાસો થઈ રહ્યા છે. ગિરનાર અને આસપાસના વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા જૂનાગઢ તંત્રએ પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરુ કર્યું છે. આ અભિયાનમાં જૂનાગઢના યુવા કલાકારો પણ જોડાયા છે અને તેમણે ભવનાથ તળેટી વિસ્તારની દિવાલો પર પ્લાસ્ટિક મુક્ત અભયારણ્ય અને મહાશિવરાત્રી મેળાના ઉદ્દેશ્ય સાથે પેઇન્ટિંગ્સ બનાવ્યા છે.