Get The App

સૌરાષ્ટ્ર-કચ્છની તમામ 8 લોકસભા બેઠકો પર ફરી કમળ ખીલ્યું, ભાજપની ગેમ ફક્ત બનાસકાંઠાએ બગાડી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્ર-કચ્છની તમામ 8 લોકસભા બેઠકો પર ફરી કમળ ખીલ્યું, ભાજપની ગેમ ફક્ત બનાસકાંઠાએ બગાડી 1 - image


- પક્ષપલ્ટાથી આવેલી માણાવદર અને પોરબંદર પેટાચૂંટણીમાં બેઠક પર ભાજપનો વિજય 

- બે કેન્દ્રીય મંત્રીઓ રાજકોટમાં રૂપાલા,પોરબંદરમાં માંડવિયા જીત્યા, જુનાગઢમાં ચુડાસમા કચ્છમાં ચાવડા અને જામનગરમાં માડમની હેટ્રીક,કચ્છમાં ચાવડા,સુરેન્દ્રનગરમાં સિહોરા, અમરેલીમાં સુતરીયા,ભાવનગરમાં નિમુબેન વિજેતા 

- પક્ષપલ્ટાને વ્યવહારુ ગણી લેતામતદારો,પોરબંદરમાં મોઢવાડિયા ઐતહાસિક લીડથી તેમજ અરવિંદ લાડાણી માણાવદરમાં જીતી ગયા

- સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસને ફરી એક વાર ચૂંટણી ટાણે બગાસુ ખાતા જીતનું પતાસુ ન આવ્યું

- ભાજપના બૂથ મેનેજમેન્ટ પાસે ક્ષત્રિય આંદોલનની પરિણામ ઉપર કોઈ પણ અસર ન થઈ 

- ઉમેદવારો બદલવાનો ભાજપનો પ્રયોગ સફળ,જુનાગઢ-જામનગર સિવાય ૬ બેઠકો પર નવા સાંસદો

- મતદાનમાં ૪ ટકાનો ઘટાડો થયો અમરેલીમાં રાજ્યનું સૌથી નીચું મતદાન પણ ભાજપને નડયું નહીં

- કોઈ કરિશ્મા-મેજીક નહીં,મોંઘવારી કરબોજ,બેકારી સહિતના મુદ્દા હતા, કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ગઠબંધન છતાં ભાજપ બેઠકો જાળવવામાં સફળ

Lok Sabha Elections 2024 | સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ એ આઠ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. રાજકોટમાં પરસોતમ રૂપાલાએ સર્વાધિક  ૪.૮૪ લાખની અને ભાવનગરમાં નિમુબેન બાંભણીયાને કેન્દ્રીય મંત્રી માંડવિયા કરતા પણ વધારે ૪.૫૫ લાખની નોંધપાત્ર સરસાઈ મેળવી છે. ઈ.૨૦૧૯ની સાપેક્ષે આઠ બેઠકો ઉપર   સરેરાશ ૪ ટકા મતદાનનો ઘટાડો થયો હતો જેના કારણે ભાજપને પાંચ લાખની લીડ મેળવવાનું સપનું તો એક પણ બેઠક ઉપર સાકાર ન થયું પરંતુ, ભાજપને તમામ ૮ બેઠકો જાળવી રાખવામાં કોઈ મૂશ્કેલી નડી નથી.

સૌરાષ્ટ્રમાં ગત લોકસભા ચૂંટણી સાપેક્ષે ૪ ટકા ઓછું મતદાન થયું હતું. તા.૭-૫-૨૦૨૪ના મતદાન યોજાયું ત્યારે આશરે દોઢ કરોડ મતદારોમાં ૫૫.૪૪ ટકા મતદાન થયું હતું અને તેમાં પણ અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું ૫૦ ટકા મતદાન જ થયું હતું છતાં ઓછા મતદાનમાં ભાજપે પોતાને જોઈતા મત મેળવીને જીતની હેટ્રીક નોંધાવી છે. 

ઈ.૨૦૧૯-૨૦૨૪ ટર્મમાં કેન્દ્ર સરકારમાં મંત્રી પદે રહેલા પરસોતમ રૂપાલા રાજકોટમાં ભાજપના વર્ષોથી મજબૂત નેટવર્કના કારણે તેમના વિરુધ્ધ ક્ષત્રિય આંદોલનની અસર નાબુદ કરવામાં સફળ રહીને વિજેતા બન્યા છે. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય આંદોલનથી ભાજપે એક પણ બેઠક ગુમાવવી તો નથી પડી, બલ્કે ક્યાંય રસાકસી પણ જોવા મળી નથી. જુનાગઢ, સુરેન્દ્રનગર અને કચ્છ બેઠક ઉપર ગત ચૂંટણી કરતા ભાજપની લીડ ઘટી છે જ્યારે બાકીની બેઠકો પર ભાજપની લીડમાં વધારો થયો છે જેમાં ભાવનગર,રાજકોટ,પોરબંદરમાં લીડમાં તો એક લાખ કરતા વધુ  વધારો થયો છે. તો આરોગ્ય મંત્રી પદે રહેલા ડો.મનસુખ માંડવિયાનો પોરબંદર બેઠક પરથી  ૩.૮૦ લાખની લીડથી વિજેતા થયા છે. 

આ ઉપરાંત જામનગરમાં પુનમબેન માડમ ૨.૩૮ લાખની લીડથી અને જુનાગઢમાં રાજેશ ચુડાસમા ૧.૩૫ લાખની લીડથી તેમજ કચ્છમાં વિનોદ ચાવડા સતત ત્રીજી ટર્મ સંસદસભ્ય તરીકે ચૂંટાઈને હેટ્રીક સર્જી છે. આ સિવાયના તમામ ઉમેદવારો જે તે મતવિસ્તારમાં પ્રથમવાર ચૂંટણી લડતા હતા. ઉમેદવારો બદલાવવાનો ભાજપનો પ્રયોગ એકંદરે સફળ રહ્યો છે. રીપીટ કરાયેલા ઉપરોક્ત બે ઉમેદવારો કરતા નવા ઉમેદવારોની લીડ વધારે રહી છે. રાજકોટમાં પ્રથમવાર કોઈ કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડતા હતા.

ગત ધારાસભા-૨૦૨૨ની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો ત્યારે લોકસભા-૨૦૨૪ની આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઈન્ડિયા ગઠબંધન હતું. પરંતુ, આ ગઠબંધનનો બેમાંથી એકેય પક્ષ ફાયદો ઉઠાવી શક્યા નથી. રાજકોટ માં કોંગ્રેસને અને ભાવનગરમાં આમ આદમી પાર્ટીને જીતની આશા વચ્ચે કારમો પરાજ્ય મળ્યો છે. 

આ ચૂંટણી પૂર્વે શાસનની તરફેણમાં વિકાસનો જુનો મુદ્દો ઉપરાંત રામમંદિર, વિશ્વમાં દેશની નામના, અર્થતંત્ર જેવા મુદ્દા અને વિરોધમાં ટોલટેક્સથી માંડીને જીએસટી સહિતનો અસહ્ય કરબોજ, શિક્ષીત યુવાનોની બેરોજગારી, દરેક ચીજમાં મોંઘવારી , વિકાસકામો ટલ્લે ચડવા સહિતના અનેક મુદ્દાઓ હતા પરંતુ, આ મુદ્દાઓ વચ્ચે ભાજપ પોતાના મતદારોને મતપેટી સુધી લાવવામાં બુથવાઈઝ ગોઠવાયેલી વ્યવસ્થા મૂજબ એકંદરે સફળ રહ્યો છે. જ્યારે કોંગ્રેસ સતત પાંચ વર્ષ લોકોની વચ્ચે એક સૂત્રતા સાથે સક્રિય રહેવાને બદલે ચૂંટણી ટાણે જાગવાની ટેવના કારણે વધુ એક વાર હારનો સામનો કરવો પડયો છે. ભાજપથી કંટાળીને લોકો કોંગ્રેસને સત્તાના સિંહાસને બેસાડશે તેવી માન્યતા વધુ એક વાર ખોટી ઠરી છે, બગાસુ ખાતા પતાસુ મોંમાં નહીં જ આવે તેવો મેસેજ જાણે કે મતદારોએ આપી દીધો છે. 

લોકસભાની આઠ બેઠકો સાથે સૌરાષ્ટ્રમાં માણાવદરમાં પક્ષપલ્ટો કરનાર અરવિંદ લાડાણીને ૮૨,૦૧૭ મત અને કોંગ્રેસના હરિભાઈ પટેલને ૫૧૦૦૧ મત મળતા ૩૧ હજાર મતે વિજેતા થયા તો પોરબંદરમાં ચાલીસ વર્ષ બાદ પક્ષપલ્ટો કરનાર અર્જૂન મોઢવાડિયાએ તો ધારાસભા ચૂંટણીમાં લીડનો રેકોર્ડ સર્જ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને માત્ર ૧૬,૩૫૫ મતથી કારમો પરાજ્ય મળ્યો ત્યારે મોઢવાડિયાને ૧,૩૩,૧૬૩ મત એટલે કે મતદાનના ૮૬ ટકા અને ૧,૧૬,૮૦૮ મતની તોતિંગ લીડ સાથે વિજય થયો હતો. અર્થાત્ બન્ને સ્થળે પક્ષપલ્ટાને લોકોએ સ્વીકારી લીધો હતો. 

એકંદરે રાષ્ટ્રમાં ભાજપના જનાધારમાં, સીટોમાં મોટો ઘટાડો થયો છે અને અબ કી બાર ૪૦૦ પાર, પાંચ લાખની લીડના સપના ચકનાચૂર થયા છે ત્યારે સૌરાષ્ટ્રના બહુમતિ મતદારોએ પોતાના પ્રશ્નો ઉકેલાય તે માટે અને વિકાસની યાત્રા માટે ભાજપમાં વિશ્વાસ જારી રાખ્યાનો ચૂકાદો આપ્યો હતો તે આજે જાહેર થયો હતો.



Google NewsGoogle News