વડોદરાવાસીઓને હાશકારો! વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો નોંધાયો, આજવા ડેમના 62 ગેટ બંધ
Vadodara Vishwamitri River : વડોદરાવાસીઓને અંતે રાહત થઈ હોય તેમ જણાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ધીમો ઘટાડો આજ બપોરથી શરુ થયો છે. આજ સવાર સુધી નદી ભયજનક સપાટી 26 ફૂટને ઓળંગી જાય તેવી સ્થિતિ હતી, પરંતુ વરસાદ થંભી ગયા બાદ હાલ ઉઘાડ છે, અને ઉપરવાસથી પાણીની આવક પણ ઓછી થઈ જતાં નદીમાં પાણી ઘટવાની શરુઆત થઈ છે. આજે સવારે 11:30 કલાકે પાણી વધુમાં વધુ 25.06 ફૂટ સુધી પહોંચ્યું હતું ત્યારબાદ પાણીનું લેવલ સ્થિર થયા બાદ ધીમો ઘટાડો શરુ થયો છે.
આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ પાણીનું લેવલ 24.93 નોંધાયું હતું. આમ પાણીના સ્તરમાં ઘટાડો થતાં તંત્રને અને ખાસ તો લોકોને હાશકારો થયો છે. હવે જો દિવસ દરમિયાન વરસાદ ન પડે તો લેવલ હજી વધુ નીચે ઉતરશે અને નીચાણવાળા વિસ્તારોમાંથી ધીમે-ધીમે પાણી પણ ઉતરવા માંડશે તેમ કૉર્પોરેશનના તંત્રનું માનવું છે. હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતું નથી. આજવા સરોવરનું લેવલ બપોરે 213.30 ફૂટ હતું. આજવા સરોવરના 62 ગેટ હાલમાં બંધ છે.