સ્લીપ થયેલા બાઇકમાં પગ ફસાઇ ગયો, ને યુવાન પર ટ્રક ફરી વળ્યો
માળિયા મિંયાણા હાઇ-વે પર અરેરાટીજનક અકસ્માત હળવદથી પગપાળા મોમાઇ મોરા મંદિરે જતા યુવાનો થાકી જતાં પરત ઘરે જવા નીકળ્યા ને કાળ ભેંટયો, અન્ય 2 ઘાયલ
મોરબી, : મોરબીમાં ગઇકાલે કારમાં આગ લાગ્યા બાદ દરવાજા લોક થઇ જતાં કારખાનેદારનું મોત નીપજ્યું હતું, એવી જ એક ઘટનામાં સ્લીપ થયેલા બાઇકમાં પગ ફસાઇ જતાં પાછળથી આવતા ટ્રકનું ટાયર ફરી વળતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જ્યારે અન્ય બે યુવાનો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ટ્રક લઈને ટ્રક ચાલક નાસી ગયો હતો. જે બનાવ મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
હળવદમાં ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા વિક્રમ પોપટભાઈ લુહારીયાએ અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૯ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે ફરિયાદી વિક્રમ, મોટા બાપુના દીકરા બાબુભાઈ અને રામાભાઈ ત્રણેય હળવદથી કચ્છ મોમાઈ મોરા માતાજીના મંદિરે ચાલીને માનતા કરવા નીકળ્યા હતા. જ્યારે મોટા બાપુનો દીકરો ફુલાભાઈ થેલા અને સામાન સાથે બાઈક લઈને આવતો હતો. તા. ૩૦ ના રોજ સાંજના કચ્છમાં ચિત્રોડથી આગળ રોડ પર સેવા કેમ્પ આવ્યો જ્યાં રોકાયા હતા. પરંતુ બધા થાકી ગયા હતા, જેથી આગળ ચાલીને જઈ શકાય તેમ નહોતું.
જેથી બાબુભાઈએ ચાલીને જવાની ના પાડી અને પરત ઘરે જવાનું કહેતા સવારના સાતેક વાગ્યે ફરિયાદી વિક્રમ, રામાભાઈ અને બાબુભાઈ ત્રણેય ચિત્રોડ કેમ્પથી બાઈક લઈને પરત ઘરે જવા નીકળ્યા હતા. જે બાઈક બાબુભાઇ ચલાવતો હતો. માળિયા હાઇ-વે પર હરીપર પાસે પહોંચતા આગળ એક ટ્રક જતો હતો. જેના ડ્રાઈવરે એકદમ બ્રેક મારી હતી. બાઈક પાછળ અથડાય નહિ તે માટે બ્રેક મારતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી રામાભાઈ રોડની સાઈડમાં પડેલ જયારે વિક્રમ અને બાબુ રોડની વચ્ચે પડયા હતા. વિક્રમ દોડીને સાઈડમાં જતા ઈજા થઇ હતી, પણ બાબુભાઈનો પગ મોટરસાયકલમાં ફસાઇ જતા નીકળી શક્યા નહિ અને અજાણ્યા ટ્રકચાલકે પાછળથી આવી બાબુના માથાના ભાગે ટ્રકનું ટાયર ફેરવી દેતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડયા હતા, જ્યાં મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. માળિયા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.