રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટીના મુદ્દા ઊઠ્યા, હજારો બાળકોની સુરક્ષા રામભરોસે
Surat Smc School Fire Safety : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકાએ પણ ગેમ ઝોનની તપાસ શરૂ કરી હતી અને 10 જેટલા ગેમ ઝોન બંધ કરાવ્યા છે. પરંતુ આ કામગીરી વચ્ચે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ફરી ઉઠ્યો છે. વર્ષ 2019ની તક્ષશિલા દુર્ઘટના બાદ પણ સમિતિની કેટલીક શાળાઓમાં હજી ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાની લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષક મંડળે મ્યુનિસિપલ કમિશનરને કરી છે. આ ફરિયાદ સાથે જ મ્યુનિસિપલ કમિશનરે શાળાઓની એમ.ઓ.સી.ની વિગત મંગાવી લીધી છે.
શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી
સુરતમાં 24મી મે 2019માં સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આખા શહેરના ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી. ફાયર સેફ્ટી ન હોય તેવી મિલકતમાં નોટિસ આપી હતી. જો કે, આ દુઃખદ ઘટના અને પાંચ વર્ષ બાદ રાજકોટમાં બનેલી ગેમ ઝોનની દુર્ઘટના પછી સુરત શિક્ષણ સમિતિના પ્રાતમિક શિક્ષણ મંડળે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં લખ્યું છે કે, 'સુરત પાલિકાની કેટલીક શાળાઓમાં જ ફાયર સુવિધા ઊભી કરવામાં આવી નથી.'
ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માગ
સુરત શિક્ષણ સમિતિના પ્રાતમિક શિક્ષણ મંડળે પત્ર લખ્યું કે, 'હજુ પણ ઘણી સ્કૂલોમાં ફાયર સેફટી સુવિધા નથી તેમજ ફાયર NOC પણ લીધું નથી. આ માટે માત્ર મુખ્ય શિક્ષક/આચાર્યએ બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા અને મહત્ત્વ આપી તાત્કાલિક આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવાની જવાબદારી શાળાના મુખ્ય શિક્ષક કે આચાર્ય ને સોંપવામાં આવે. તક્ષશિલાની દુ:ખદ દુર્ઘટના પછીથી વારંવાર લિખિત/મૌખિક રીતે શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોને નીતિનિયમો મુજબ ફાયર સેફટી સુવિધાથી સજ્જ કરી ફાયર NOC મેળવવાનું રહેશે.
હકીકતમાં લગભગ તમામ મકાન પાલિકાના પોતાના છે. તેમજ મુખ્ય શિક્ષક કે આચાર્યની સત્તાઓ, સ્કૂલોને મળતી ગ્રાન્ટ, ફાયર સેફટી સુવિધા માટેનો ખર્ચ અને ફાયર NOC મેળવવા માટેની પ્રક્રિયા જોતા મુખ્ય શિક્ષક/આચાર્યની કક્ષાએ આ કાર્યવાહી શક્ય નથી. જેના કારણે આ કામગીરી સ્કૂલ બોર્ડ દ્વારા જ કરવામાં આવે તે જરૂરી છે.
પ્રાથમિક શિક્ષણ મંડળના આ પત્ર બાદ તાત્કાલિક પાલિકા કમિશનરે શાળાઓની એનઓસીની વિગતો મંગાવી હોવાનું મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પત્ર બાદ પાલિકાની સ્કૂલોમાં જ ફાયર સુવિધા ન હોવાની ચોંકાવનારી વાત કરવામાં આવી છે તેના કારણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી સામે સવાલો ઊભા થયા છે.