તત્કાલિન અને હાલના આઇ.ટી હેડની કરતૂત: લાલ દરવાજાની હોસ્પિટલના એકાઉન્ટ સહિતના ડિપાર્ટમેન્ટના મહત્વના ડેટા ડિલીટ કરી દીધા
- ગત સપ્ટેમ્બરમાં કેનેડા જવાનું છે કહી નોકરી છોડનાર હેડે હાલના હેડ પાસેથી સર્વર રૂમનો એક્સેસ અને પાસવર્ડ મેળવી કારભાર કર્યો
- ડેટા ડિલીટ કરવા પાછળનું ઘેરાતું રહસ્યઃ સોફ્ટવેર કંપનીએ ડેટા રીકવરની પ્રોસેસ શરૂ કરી, તત્કાલિને હેડે બાકી પગાર મુદ્દે કનડગત કરવા કૃત્ય કર્યાની ચર્ચા
સુરત
મહિધરપુરા-લાલ દરવાજાની સીમ્સ હોસ્પિટલના સર્વર રૂમના મેઇન કોમ્પ્યુટરનો એનીડેસ્ક એક્સેસ અને પાસવર્ડ મેળવી તમામ ડેટા ડિલીટ કરી એડમિનીસ્ટ્રેશનમાં વિક્ષેપ કરવા ઉપરાંત આર્થિક રીતે નુકશાન પહોંચાડનાર હોસ્પિટલના આઇ.ટી ડિપાર્ટમેન્ટના તત્કાલિન અને હાલના હેડ વિરૂધ્ધ મહિધરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
મહિધરપુરાના લાલ દરવાજા સ્થિત સીમ્સ હોસ્પિટલના રીસેપ્સનીસ્ટ દ્વારા ગત 1 નવેમ્બરની રાતે હોસ્પિટલ સ્ટાફના વ્હોટ્સએપ ગૃપમાં મેસેજ કર્યો હતો કે એસએસડી ચાલતું નથી. જેથી એડમિનીસ્ટ્રેટર બીટ્ટી બીજુ જ્હોન (ઉ.વ. 43 રહે. સંગિની ગાર્ડનીયા, જહાંગીરાબાદ, મોરાભાગળ) એ તુરંત જ એસએસડી સિસ્ટમ માટે ઉપયોગમાં લેવાતા સુનીલ મેડિકો સોફ્ટવેર કંપનીને જાણ કરી હતી. કંપનીના સ્ટાફે મેઇન કોમ્પ્યુટરનો એક્સેસ મેળવી તપાસ કરતા સર્વરના પી.સી માંથી તમામ સોફ્ટવેર ડિલીટ થઇ ગયાનું જણાવ્યું હતું.
જેથી તુરંત જ એડમિનીસ્ટ્રેટર બીટ્ટી જ્હોને આઇ.ટી હેડ દક્ષ પરિમલ દેસાઇ (રહે. માધવ દર્શન એપાર્ટમેન્ટ, બોરડી શેરી, સૈયદપુરા, સુરત) ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આઇ.ટી ડિપાર્ટમેન્ટના તત્કાલિકન હેડ હાર્દીક જયંતિલાલ મૈસુરીયા (રહે. પુણા ગામ) હોસ્પિટલના મુખ્ય સર્વરનો એનીડેસ્ક એક્સેસ અને કોમ્પ્યુટર પાસવર્ડની માંગણી કરતા તેને પાસવર્ડ સહિતની માહિતી આપી હતી. ઉપરાંત દક્ષના મોબાઇલમાંથી હાર્દીક સાથેની વ્હોટ્સએપ ચેટ પણ મળી આવી હતી. જેથી હોસ્પિટલનો સ્ટાફ ચોંકી ગયો હતો અને હાર્દીકે કયા કારણોસર આ કૃત્ય કર્યુ તે અંગેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટથી લઇ ફાર્મસી, દર્દી અને સ્ટાફના પગાર સહિતની માહિતી માટે અલગ-અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ડેટા સર્વર રૂમના સ્ટોર કરવા માટે આઇ.ટી ડિપાર્ટમેન્ટના હેડને જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દીક વર્ષ 2023 ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી હેડ તરીકે હતો અને કેનેડા જવાનું છે કહી નોકરી છોડી હતી. તેવા સંજોગોમાં હાર્દીકનો પગાર બાકી હોવાથી કનડગત કરવા ડેટા ડિલીટ કર્યાની આશંકા સેવાય રહી છે.