પરિવારને ત્યજી જેની સાથે લવમેરેજ કર્યા તે પતિ બીજી સ્ત્રીમાં લપેટાયો, ડિવોર્સ માટે પત્ની પર અત્યાચાર
વડોદરામાં એક યુવકના પ્રેમમાં માતા પિતાની મરજી વિરુદ્ધ જઈ લવ મેરેજ કરનાર પરિણીતા ની હાલત પતિના અમાનુષી અત્યાચારને કારણે અત્યંત દયાનીય બની ગઈ છે.
વડોદરાના કોયલી વિસ્તારમાં રહેતી પરિણીતાને છ વર્ષ પહેલા એક યુવક સાથે પ્રેમ થઈ જતા બંને જણાએ પરિવારની વિરુદ્ધ જઈ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્ન બાદ તેમને એક સંતાન પણ થયું હતું અને બંને પતિ પત્ની સુખેથી દિવસો ગાળતા હતા. જોકે લગ્ન સામે વિરોધ હોવાને કારણે બંનેના પરિવાર વચ્ચે કોઈ સંબંધ રહ્યો ન હતો.
દરમિયાન માં થોડા સમય પહેલા પતિ અન્ય એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથેની મિત્રતા પણ પ્રેમમાં પરિણમી હતી. જેને કારણે પતિનું વર્તન બદલાવવા માંડ્યું હતું.
પત્નીને આ વાતની જાણ થતા તેણે પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પતિએ તેના ઉપર શારિરીક અને માનસિક અત્યાચાર ગુજારવા માંડ્યો હતો તેમજ ડિવોર્સ માટે દબાણ કરતા યુવતી ની હાલત દયનીય બની હતી. તે સાસરી કે પિયરમાં કોઈને વાત કરી શકે તેમ નહીં હોવાથી આખરે અભયમ ની મદદ લીધી હતી. અભયમે પતિનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય રીતે ગુનો બનતો હોવાનું કહેતા તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને લગ્નતર સંબંધો નહીં રાખે તેવી બાંયધરી આપતા સમાધાન થયું હતું.