આગોતરા જામીન નહીં મળતા હોટલનો મેનેજર પોલીસ સમક્ષ હાજર
ભલામણ કરવા ગયેલા નામચીન બૂટલેગરને પોલીસે દાદ ના આપી : હજી અન્ય આરોપીઓ ફરાર
વડોદરા,હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી હોટલમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડીને બે ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડયા હતા. આ કેસમાં વોન્ટેડ એવા હોટલના મેનેજરની વારસિયા પોલીસે ધરપકડ કરી છે.
વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, હરણી વારસિયા રીંગ રોડ પર બેન્કર હોસ્પિટલની પાછળ આવેલ શ્રીજી વિન્ડ ટાવર બી માં એચ.કે. વિલા હોટલમાં કૂટણખાનુ ચાલે છે. હોટલના ભાગીદારો મિનેશ જગદીશભાઇ ઠક્કર તથા રોનક યુવતીઓનો સંપર્ક કરી હોટલ પર બોલાવી હોટલમાં રાખી દેહ વ્યાપરનો ધંધો કરાવે છે. પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી બે ગ્રાહકો જીતેન્દ્રસીંગ મહેન્દ્રસીંગ ઝીયોન્ટ (રહે. વ્રજધામ સોસાયટી, માણેજા) તથા સૂરજસીંગ સુરજીતસીંગ કંબોજ (રહે. કિર્તન નગર સોસાયટી, વારસિયા રીંગરોડ) ને ઝડપી પાડયા હતા. જ્યારે મિનેષ ઠક્કર, રોનક તથા મેનેજર રમેશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં મેનેજર રમેશ ભીમજીભાઇ પટેલ (રહે. શ્રીજી બાલાજી વિન્ડ, એચ.કે.વિલા હોટલ, હરણી વારસિયા રીંગરોડ)ની આગોતરા જામીન અરજી નામંજૂર થતા તે પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. આ સમયે વારસિયાનો એક નામચીન બૂટલેગર પણ ભલામણ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બૂટલેગર રાજસ્થાનના એક દારૃના વેપારીના કહેવાથી ગયો હતો. પરંતુ, પોલીસે બૂટલેગરને દાદ આપી નહતી અને આરોપીની ધરપકડ કરી જામીન પર છૂટયા પછી અટકાયતી પગલા પણ ભર્યા હતા.