સિંહોની સૌપ્રથમ ગણતરી 1936માં થયાનો સરકારી દાવો નર્યું જુઠ્ઠાણું!
લાયન સેન્સસની હકીકતઃ પહેલી ગણતરી 1893- 94માં થઈ હતી : લોકોમાં તો માન્યતા હોય પરંતુ સરકાર અને વન વિભાગે પણ અભ્યાસ વગર ગેરમાહિતી ફેલાવી, ઈતિહાસવિદે અભિલેખી પ્રમાણ જાહેર કર્યાં
જૂનાગઢ, : એશિયાટિક સિંહોની ગણતરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી પર સમગ્ર દેશ- દુનિયાની નજર છે. સરકાર અને વન વિભાગ દ્વારા 1936માં સૌપ્રથમ વાર સિંહોની ગણતરી થઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી રહ્યું છે પરંતુ હકીકતે સિંહોની વસ્તી ગણતરી સૌપ્રથમવાર 1893- 94માં થઈ હોવાના પુરાવાઓ ઈતિહાસવિદે આપ્યા છે. જે- તે સમયે ગીરમાં માત્ર 12 સિંહ જ બચ્યા હતા તેવો દાવો પણ ખોટો ઠર્યો છે.
સિંહો વિશે લોકોમાં અનેક માન્યતાઓ ચાલતી હોય છે પરંતુ સરકાર અને વન વિભાગ પણ ઈતિહાસની તપાસ કર્યા વગર સિંહોની ગણતરી વિશે વર્ષોથી ભ્રમણા ફેલાવે છે. સરકાર અને વન વિભાગની અનેક પુસ્તિકાઓ તથા સત્તાવાર વેબસાઈટ પર પણ 1936માં ગણતરી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો ખોટો સાબિત થયો છે. જૂનાગઢના જાણીતા ઈતિહાસવિદ પ્રદ્યુમનભાઈ ખાચરે અભિલેખી પ્રમાણ સાથે જણાવ્યું છે કે, વર્ષ 1893-94 ફેબુ્રઆરી માસમાં સિંહોની ગણતરી નવાબ રસુલખાનજીએ કરાવી છે. વન વિભાગ અને સરકારના સત્તાવાર પુસ્તકોમાં જાહેર કરવામાં આવ્યું છે કે, 1936માં નવાબ મહોબતખાન ત્રીજાએ સૌપ્રથમવાર સિંહોની ગણતરી કરી હતી તે વાત સબુતોના આધારે ખોટી છે. ઈતિહાસવિદે જણાવ્યું હતું કે, સિંહોના શિકાર પર નવાબ રસુલખાને 1895માં 6 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો. 1890માં પ્રિન્સ આલ્બર્ટ વિકટર ગીરમાં સિંહના શિકાર માટે આવ્યા ત્યારે તેમને સિંહ મળ્યો નહી. 1893 લોર્ડસ હેરીસ સિંહના શિકાર માટે ગીરમાં આવ્યા ત્યારે ખૂબ લાંબી મહેનત બાદ સિંહ મળ્યો અને તેણે શિકાર કર્યો હતો. ત્યારબાદ બ્રિટીશરો અને જૂનાગઢ નવાબે વિચાર્યું કે, સિંહોની સંખ્યા ઘટી ગઈ લાગે છે જેથી કંઈક કરવું પડશે. તેના ભાગરૂપે ગણતરી કરવાનું નક્કી થયું હતું. સરકાર અને વન વિભાગ બીજો પણ દાવો કરે છે કે, સિંહોની સંખ્યા ઘટી છેલ્લે 12 સુધી થઈ ગઈ હતી. જો કે, આ વાત પણ ખોટી છે. નવાબ રસુલખાને જે ગણતરી કરાવી તેમાં આંખે જોઈને, હુંક સાંભળીને, પંજાના નિશાન જોઈને ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી દરમ્યાન એક જ વિભાગમાં 31 સિંહ જોવા મળ્યા હતા અને બીજા વિભાગના સત્તાવાર આંકડાનું પત્રક મળ્યું નથી જેથી તેમાં કેટલા સિંહ હતા તે જાહેર કરી શકીએ નહી. 1925માં નવાબ મહોબતખાન ત્રીજાએ ફરમાન કર્યું હતું કે, મારી મંજૂરી વગર સિંહનો શિકાર કરવો નહી. ત્યારબાદ અંગ્રેજો અને રાજા-મહારાજાઓને શિકારની મંજૂરીઓ આપી હતી.