સરકાર કોર્પોરેશનને ઓકટ્રોઇના ૧૮ વર્ષના ૨૦ હજાર કરોડ આપે
કોંગ્રેસના મહાસચિવ કહે છે, વિશ્વામિત્રી ખુલ્લી કરી શહેરને પૂર આપદામાંથી બચાવી શકાય
વડોદરા,ગુજરાતમાં ૨૦૦૭થી ઓકટ્રોઇ નાબૂદ કરાઇ છે. ઓકટ્રોઇ બંધ થતા વડોદરા કોર્પોરેશનની આવકને મોટો ફટકો પડયો છે. સરકારે ઓકટ્રોઇ આવકના ૧૮ ટકા ગ્રોથરેટ મુજબ ૧૮ થી ૨૦ હજાર કરોડ વડોદરા કોર્પોરેશનને ચૂકવી દેવા જોઇએ તેવી માગ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝાએ કરી છે.
અત્રે પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે વિશ્વામિત્રી કાંઠે થયેલા દબાણો હટાવી નદી ખુલ્લી કરીને શહેરને પૂરની આપદામાંથી બચાવી શકાય તેમ છે. ૧૦૦ દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેકટ પૂરો કરવાની વાતો કરે છે, પણ હજી કશી નક્કર કામગીરી શરૃ થઇ નથી.
હરણી બોટ કાંડમાં મૃતકના પરિવારોને ૨૫ લાખ વળતર આપવા કોંગ્રેસની દરખાસ્તને બહુમતીના જોરે ફગાવી દઇ પીડિતો સાથે અન્યાય કર્યો છે, તેમ કહી વિપક્ષના નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ કહ્યું હતું કે કોર્પોરેશનમાં ૩૦ વર્ષના શાસનમાં ભાજપે કદી પ્રજાલક્ષી બજેટ આપ્યું નથી. આવાસ યોજનાના નામે લોકોના ઘર તોડી ભાડું નહીં આપી લોકોને બેઘર કર્યા છે. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જ વધાર્યા છે, ટેક્સ ભર્યા પછી પણ કોર્પોરેશન વ્યાજે રૃપિયા લઇ વિકાસની વાતો કરે છે.