ભાજપના નેતાઓની, માનીતાઓની સ્કૂલો સુધી રેલો આવતાં સરકાર ઝૂકી
રાજકોટ અને સુરતમાં કમિશનરોએ છૂટછાટ આપી : રાજકોટના મેયર, ચેરમેન, ડે.મેયર, શહેર પ્રમુખ, ધારાસભ્યને 'નિયમપાલન કરવું પડશે 'તેમ મુખ્યમંત્રીએ કહ્યા બાદ સ્કૂલો માટે નિયમો હળવા કરાવ્યા
રાજકોટ, : બી.યુ. સર્ટિ. અને ફાયર એન.ઓ.સી. વગર ધમધમતા ટીઆરપી ગેમઝોનમાં અત્યંત દર્દનાક અગ્નિકાંડ સર્જાયા બાદ રાજ્ય સરકારના આદેશોના પગલે રાજકોટમાં કમિશનરે કડક કાર્યવાહી કરીને નિયમવિરૂધ્ધ ચાલતી 600થી વધુ મિલ્કતોને સીલ કરી તેમાં 130થી વધારે નામાંકિત સ્કૂલો,કોલેજો હતી અને તેમાં ભાજપના નેતાઓની કે માનીતાઓની તગડી ફી લેતી ખાનગી સ્કૂલો પણ હતી. ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના સંતાનો જેમાં ભણે છે તેવી આ સ્કૂલો સુધી કાયદાની કડક અમલવારીનો રેલો આવતા તેમજ સરકાર પર દબાણ વધતા અંતે સરકાર આંશિક રીતે ઝૂક્યાનું અને સરકારના આદેશથી આજે રાજકોટ તથા સુરત સહિત શહેરોમાં સીલ ખોલી દેવા છૂટછાટ અપાયાનું બહાર આવ્યું છે.
સુરતમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ બાકી હોય તેવી મિલ્કતોને સોગંદનામુ લઈને ખોલવાની છૂટ અપાઈ છે અને બીજા તબક્કામાં બીયુપી, ફાયર એન.ઓ.સી. માટે વધુ છૂટ અપાશે. રાજકોટમાં માત્ર શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને બીયુ સર્ટિ. ન હોય અથવા ફાયર એન.ઓ.સી.ની મુદત પૂરી થઈ ગઈ હોય તો પણ સોગંદનામુ લઈને સીલ ખોલવામાં આવશે. સ્કૂલ-હોસ્પિટલો સિવાયને કોઈ રાહત નથી ત્યારે સુરતમાં ટેક્સટાઈલ્સ માર્કેટને પણ ખોલવાની શરતી છૂટ આપી દેવાઈ છે.
ગઈકાલે રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ તથા બાદમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને મળ્યા હતા. જો કે મુખ્યમંત્રીએ તેમણે લોકોએ કાયદાનું પાલન કરતા શિખવું પડશે તેમ સંભળાવી દીધું હતું. પરંતુ, પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના નેતાઓએ પક્ષ ઉપર લોકોનું ભારે દબાણ આવી રહ્યાની રજૂઆત પણ કરી હતી. જેના પગલે હાલ સરકારે આંશિક છૂટછાટ આપી છે અને સંભવતઃ આ પ્રકરણ ઠંડુ થયા પછી વધુ છૂટછાટો આપોઆપ મળતી રહે તેવી શક્યતા પણ જાગી છે.