Get The App

યુવતીના પૂર્વ પતિના હુમલાથી ઇજાગ્રસ્ત વર્તમાન પતિનું મોત

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
યુવતીના પૂર્વ પતિના હુમલાથી ઇજાગ્રસ્ત વર્તમાન પતિનું મોત 1 - image


ગોલાધરમાં ત્રણ ભાઈઓએ હુમલો કર્યો  હતો  ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને અમદાવાદ ખસેડવામાં આવતો હતો ત્યારે રસ્તામાં જ દમ તોડી દેતાં અરેરાટી

જૂનાગઢ, : જૂનાગઢ તાલુકાના ગોલાધરમાં રહેતો યુવાન તા. 10ના પત્ની સાથે બાઇક પર જતો હતો ત્યારે પત્નીના પૂર્વ પતિ અને તેના બે ભાઈઓએ હુમલો કર્યો હતો, જેમાં યુવાનને ગંભીર ઇજા થઇ હતી. ગઈકાલે આ યુવાનને જૂનાગઢથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવતો હતો ત્યારે તેનું રસ્તામાં જ મોત થયું હતું. આ મામલે પોલીસે ત્રણેય આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ગોલાધરમાં રહેતી મિતલબેન ઓધવજીભાઈએ 2020ના વર્ષમાં ગામમાં અજય પ્રવિણ મકવાણા સાથે પ્રેમલગ્ન કર્યા હતા.  મિતલબેનના પિતાને એ પસંદ પડયું ન હતું. આ બાબતે ત્યારે અજય પ્રવિણ મકવાણા અને તેના પરિવારજનોએ હુમલો કરતા મિતલબેનના પિતા ઓધવજીભાઈનું મોત થયું હતું. આ મામલે અજય સહિતનાઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો, જેમાં તે જેલમાં જતો રહેતા મિતલબેને છૂટાછેડા લઈ લીધા હતા.

થોડા દિવસ પહેલા મિતલબેને ગામના જય ગોપાલભાઈ કાલરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. એવામાં, અજય અને તેના ભાઈઓ જેલમાંથી છૂટી આવ્યા હતા. ગત  તા. 10ના મિતલબેન અને તેના પતિ જય કાલરીયા બાઇક પર જૂનાગઢ તરફ જતા હતા ત્યારે અજય પ્રવિણ મકવાણા, વિજય પ્રવિણ મકવાણા અને મિલન પ્રવિણ મકવાણાએ બાઇકને રોકી મિતલબેનને 'અમે તારા બાપને મારી નાખ્યો અને છૂટી પણ ગયા,તમે શું કરી લીધું,હવે તમને બંનેને મારી નાખવા છે' એમ કહી મિતલબેન અને તેના પતિ જય કાલરીયા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જય કાલરીયાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તે વખતે તાલુકા  પોલીસે ત્રણેય ભાઈની ધરપકડ કરી હતી. દરમિયાન, જય કાલરીયાની તબિયત વધુ ખરાબ થતા ગઈકાલે તેને જૂનાગઢથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું.

આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે જય કાલરીયા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.આંતરિક ઇજાના કારણે ગઇકાલે તેની તબિયત લથડતા રાત્રીના અમદાવાદ રિફર કરાયો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું.જે તે વખતે ત્રણેય ભાઈની ધરપકડ કરવામાં આવી હતી.અને હાલ ત્રણેય જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. યુવાનનું મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પહેલા પ્રેમલગ્ન કર્યા ત્યારે પિતાની અને બીજા પ્રેમલગ્ન કર્યા ત્યારે પતિની હત્યા

મિતલબેને 2020માં પહેલા પ્રેમલગ્ન કર્યા ત્યારે પતિ અજય અને તેના પરિવારજનોએ કરેલા હુમલામાં પિતાની હત્યા થઈ હતી. પતિ અજય જેલમાં જતો રહેતા છૂટાછેડા લઈ લીધા હતા. થોડા સમય પૂર્વે ગામના યુવક સાથે બીજા પ્રેમલગ્ન કર્યા તો પૂર્વ પતિ સહિતનાઓએ વર્તમાન પતિની હત્યા કરી નાખી હતી. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ છે.


Google NewsGoogle News