4.92 લાખ ક્યુસેક પાણી આવક થતા ઉકાઇ ડેમના દરવાજા સિઝનમાં પ્રથમ વખત ખુલ્યા

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
4.92 લાખ ક્યુસેક પાણી આવક થતા ઉકાઇ ડેમના દરવાજા સિઝનમાં પ્રથમ વખત ખુલ્યા 1 - image



- હથનુરમાંથી છોડાયેલા પાણીની આવક શરૃ થતા સત્તાધીશોની મથામણ


- સવારે સાત વાગે 16 હજાર કયુસેક પાણી છોડાયા બાદ સતત વધારો કરી 2.47 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી છલોછલ

- અડધુ પાણી છોડીને અડધુ સંગ્રહ કરતા 12 કલાકમાં સપાટી બે ફૂટ વધીને 342.16 ફૂટ

        સુરત

ઉકાઇ ડેમ છલોછલ ભરાવાની એકદમ નજીક હોવાની સાથે જ આજે સૌથી વધુ ૫.૪૩ લાખ કયુસેક સુધીનો ઇનફલો આવતા ડેમ ભયજનક સપાટીને પાર ના કરે તે માટે સત્તાધીશોએ મથામણ શરૃ કરી દઇને સિઝનમાં પ્રથમ વખત આજે સવારે સાત વાગ્યે ડેમના દરવાજા ખોલ્યા હતા. સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીના આઠ કલાકમાં આઠ વખત પાણી છોડવાનું સતત વધારતા જઇને બપોરે બે વાગ્યાથી ૧૫ દરવાજા ઓપન કરીને ૨.૪૭ લાખ કયુસેક સુધીનુ પાણી છોડવાનું આરંભ્યુ હતુ. આમ અડધુ પાણી છોડી અને અડધુ પાણી સંગ્રહ કરવામાં આવતા ડેમની સપાટી ૧૨ કલાકમાં બે ફૂટ વધી હતી. સુરત સ્થિત તાપી નદી પણ છલોછલ વહેવા માંડી હતી.

 ઉપરવાસના હથનુર ડેમમાંથી શનિવારે છોડાયેલા ૪ લાખ કયુસેક પાણીની આવક આજે સવારે છ વાગ્યાથી જ ઉકાઇ ડેમમાં આવવાની શરૃઆત થઇ હતી. જેથી ઉકાઇ ડેમની સપાટી સવારે સાત વાગ્યે જ ૩૪૦ ફૂટને પાર કરી ગઇ હતી. હથનુર ડેમનું પાણી આખો દિવસ આવનાર હોવાથી ડેમના સત્તાધીશોએ આજે સવારે સાત વાગ્યે જ ઉકાઇ ડેમના દરવાજા ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ખોલીને ૧૬ હજાર કયુસેક પાણી છોડવાનું શરૃ કર્યું હતુ. ત્યારબાદ સતત પાણીનો હેવી ઇનફલો આવતા દર કલાકે પાણી છોડવાનું વધારતા જ ગયા હતા. અને સવારે સાત વાગ્યાથી લઇને બપોરે બે વાગ્યા સુધીના આઠ કલાકમાં આઠ વખત પાણી છોડવાનુ વધારતા ગયા હતા. બપોરે ૨ વાગ્યે ઉકાઇ ડેમના સાત દરવાજા ૧૦ ફૂટ અને આઠ દરવાજા ૯ ફૂટ મળીને ૧૫ દરવાજા ખોલીને ૨.૪૭ લાખ કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. તે સતત ચાલુ જ રાખ્યુ છે.

આમ સત્તાધીશોએ ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલ સુધી નહીં પહોંચે તે માટે જેટલી પાણીની આવક આવતી હતી તેમાંથી અડધુ પાણી છોડીને અડધુ બચાવતા સપાટીમાં ૧૨ કલાકમાં બે ફૂટનો વધારો થયો હતો. સવારે છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૪૦.૨૯ ફૂટ હતી. અને ૧૨ કલાક પછી બે ફૂટ વધીને ૩૪૨.૧૬ ફૂટ નોંધાઇ હતી. જયારે સાંજે છ વાગ્યે ૪.૯૨ લાખ કયુસેક ઇનફલોની સામે ૨.૪૭ લાખ કયુસેક પાણી છોડાતુ હતુ. ઉકાઇ ડેમનું આજનુ રૃલલેવલ અને ભયજનક સપાટી બન્ને ૩૪૫ ફૂટ છે. આમ ડેમ હજુ ત્રણ ફૂટ ખાલી છે.  ઉકાઇ ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડાતા આ પાણી સુરત સ્થિત તાપી નદીમાં ઠલવાતા તાપી નદી બન્ને કાંઠે છલોછલ વહેવા માંડી હતી.

ઉકાઇ ડેમની દર કલાકની માહિતી

સમય   સપાટી   પાણીની આવક   પાણીની જાવક

 

સવારે ૭          ૩૪૦.૪૦  ૪,૫૩,૪૨૪      ૧૬૭૯૩

સવારે ૮          ૩૪૦.૬૫  ૪,૯૧,૯૫૪      ૫૫૪૩૩

સવારે ૯          ૩૪૦.૯૦  ૪,૯૨,૧૦૪      ૧૫૭૧૬૬

સવારે ૧૦         ૩૪૧.૦૩  ૩,૮૫,૧૭૮      ૧૯૭૯૦૩

સવારે ૧૧         ૩૪૧.૧૮  ૪,૬૦,૭૫૬      ૧૯૮૮૩૬

બપોરે ૧૨         ૩૪૧.૫૯  ૫,૮૩,૭૨૧      ૨૨૮૧૦૭

બપોરે ૧          ૩૪૧.૭૬  ૫,૦૯,૦૫૪      ૨૨૭૧૯૧

બપોરે ૨          ૩૪૧.૮૯  ૫,૪૫,૦૩૯      ૨૪૭૦૯૯

બપોરે ૩          ૩૪૨.૦૨  ૪,૭૩,૭૭૦      ૨૪૬૦૯૯

સાંજે ૫  ૩૪૨.૧૬ ૪,૯૧,૮૫૦        ૨૪૬૦૯૯

સાંજે ૭ ૩૪૨.૫૫ ૪,૯૨,૪૩૬        ૨૪૭૦૯૨


Google NewsGoogle News