ગુપ્તધન કઢાવવા 17 લાખ પડાવનાર ગેંગના વિનોદે નાગ બતાવી કહ્યું,આને 3 લાખમાં મોક્ષ અપાવો
દિનેશે ખાડામાંથી તામ્રપત્ર શોધી કહ્યું,આમાં તો તમારા નામનું ધન છે તેનું લખાણ છે
વડોદરાઃ ગુપ્ત ધન કાઢવાના નામે વડોદરાના શ્રમજીવી પરિવારને વારંવાર વતનમાં લઇ જઇ ખાડા ખોદાવીને વિધિ કરવાના નામે રૃ.૧૭ લાખ પડાવી લેનાર અમદાવાદ અને રાજસ્થાનની તાંત્રિક ગેંગના પકડાયેલા સાગરીત વિનોદ જોશીને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરવામાં આવી રહી છે.
જે પી રોડ પોલીસના પીએસઆઇ આરડી સોલંકીએ શ્રમજીવી અભેસિંગ ચૌહાણને ગુપ્ત ધન કાઢવાના નામે ઠગનાર ગેંગ સામે ગુનો નોંધી અમદાવાદના સાગરીત વિનોદ જોશીને ઝડપી પાડયો હતો.ટોળકીનો માસ્ટર માઇન્ડ દિનેશ જોશી અને જિતેન્દ્ર એ વિધિઓ કરાવી રૃપિયા ખંખેરી લીધા બાદ અમદાવાદના રાકેશ જોશી અને વિનોદ જોશીને પોતાની સાથે સામેલ કર્યા હતા.
જેમાં રાકેશને ઘેર અભેસિંગભાઇને વિધિ માટે બોલાવ્યા બાદ વિનોદે એક ડબ્બામાં નાગ બતાવ્યો હતો અને કહ્યું હતું કે,આ નાગને મોક્ષ અપાવવા માટે રૃ ૩ લાખમાં વિધિ કરાવો તો તમને ધન મળી જશે.જેથી પોલીસે વિનોદને નાગ ક્યાંથી લાવ્યો હતો અને બીજે ક્યાં ઉપયોગ કર્યો છે તે બાબતે પૂછપરછ કરી હતી.પરંતુ તે મોં ખોલી રહ્યો નથી.
આ ઉપરાંત દિનેશ અને તેની ગેંગે દ્વારા અભેસિંગભાઇને પુષ્કરમાં પણ વિધિ કરવા મોટ લઇ જવાયા હતા અને ત્યાં વિધિ કરવાના રૃ.૨.૫૦ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ વિધિમાં અમદાવાદનો જિતેન્દ્ર અને રાજસ્થાનનો જ્યોતિષ સતિષ જોશી પણ સામેલ થયો હતો.જેથી તેઓ પકડાય ત્યારપછી નેટવર્કનો ભેદ ખૂલશે.
રાજસ્થાની સતિષે કહ્યું,૪.૫૦ લાખ આપો તો ગુપ્તધનની જગ્યા બદલી આપું
તાંત્રિકોના ચક્કરમાં ફસાયેલા અભેસિંગ ભાઇને ધન આવશે ત્યારે બધાનો હિસાબ ચૂક્તે કરી દેવાની ધારણા સાથે ઠગ ટોળકીએ ખેલ કરીને વારંવાર રૃપિયા પડાવ્યા હતા.
રાજસ્થાનના જ્યોતિષ સતિષ જોશીએ અભેસિંગભાઇને કહ્યું હતું કે,હું તમારું ગુપ્ત ધન કઢાવવા માટે મદદરૃપ થઇ શકું તેમ છું.જો તમે તૈયાર થાવ તો હું ગુપ્ત ધનની જગ્યા બદલી આપું.
પરંતુ આ વિધિ કરવા માટે તમારે રૃ.૪.૫૦ લાખ આપવા પડશે.અભેસિંગ ભાઇએ તેની સાળી પાસે મદદ માંગી હતી અને તાંત્રિકને રૃ.૩.૫૦ ધરી દીધા હતા.છતાં તેમને કાંઇ મળ્યું નહતું.
જ્યોતિષીઓ રાજસ્થાન,અમદાવાદ જેવા શહેરોમાં ભાડેથી ઓફિસો રાખતા હતા
જ્યોતિષ તરીકે પરિચય આપ્યા બાદ તાંત્રિક વિદ્યાના નામે ઠગાઇ કરનાર ટોળકી દ્વારા અમદાવાદ,રાજસ્થાન અને અન્ય શહેરોમાં ભાડેથી ઓફિસો રાખવામાં આવતી હતી.તેઓ મોટી મોટી જાહેરાતો પણ કરતા હતા અને પહેલાં ઓછા ખર્ચની વિધિ બતાવી ગ્રાહકને ગભરાવીને લૂંટી લેતા હતા.
અભેસિંગભાઇને હજી પણ આશા,ગુપ્ત ધનની વાત આખું ગામ જાણે છે,મને મળશે જ
તાંત્રિક વિદ્યાના નામે દાગીના વેચી, લોન લઇ અને સગાં સબંધીઓ પાસેથી ઉછીના રૃપિયા લઇ રૃ.૧૭ લાખ ગુમાવનાર અભેસિંગ ભાઇને હજી પણ ગુપ્ત ધન મળવાની આશા છે.તેમનું કહેવું છે કે,ગુપ્ત ધનની વાત આખું ગામ જાણે છે.સરકાર ધ્યાન આપતી નથી.આ ધન મારા ભાગ્યનું છે અને મને મળવાનું જ છે.
ચૂલામાં ખોદીને કાઢેલું તામ્રપત્ર દિનેશ પોતાની સાથે લઇ ગયો
ચૂલામાં ખોદીને કાઢેલું તામ્રપત્ર દિનેશ પોતાની પાસે રાખી લીધું હતું.જેથી પોલીસ માટે આ તામ્રપત્ર મેળવવું જરૃરી બન્યું છે.
વાસણા ભાયલી રોડના પંચમુખી વુડાના મકાનોમાં રહેતા અને કડીયાકામ કરતા અભેસિંગભાઇ ચૌહાણને ફસાવનાર દિનેશ જોશીએ તેમના પંચમહાલ ઘોઘંબા પાસેના વાંગરવા ગામના વતનમાં લઇ જઇ ચૂલો ખોદાવ્યો હતો.
દિનેશે એક તામ્રપત્ર કાઢ્યું હતું અને તેની સાથે ચાંદીના પાંચ સિક્કા કાઢ્યા હતા.જે સિક્કાની કિંમત ૪ થી ૫ લાખની હોવાનું કહી અભેસિંગભાઇને આપી દીધા હતા.જ્યારે તામ્રપત્રમાં અભેસિંગભાઇના નામનું ધન છે તેમ લખ્યું છે તેમ કહી દિનેશ પોતે લઇ ગયો હતો.