મહાપાલિકાના ફૂડ વિભાગે જાન્યુઆરી માસમાં ખાદ્યપદાર્થના 32 નમૂના લીધા
- ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની તપાસ યથાવત
- રાંધનપુરી બજારની પેઢીનો ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ, એડજયુડીકેટીંગ કોર્ટે રૂ. 40 હજારનો દંડ ફટકાર્યો
સરકાર તથા કમિશનર ભાવનગર મહાપાલિકાની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા જાન્યુઆરી-૨૦૨૫માં ચીકી, લાડુના નમુના આબાંચોક, મામા ખાંડણીયા, મરચાગલી વિસ્તારોમાંથી તથા આઈસક્રીમ, તીખા ગાંઠીયા, ખાદ્યતેલ, અડદીયા, બદામપાક, ગુંદરપાક, રાંધેલા પદાર્થો જેવાકે શાક, કઠોળ, દાળ, રોટલી, મીઠુ, ભાત વગેરેના શાસ્ત્રીનગર, ચિત્રા, વગેરે વિસ્તારમાંથી મળી કુલ-૩૨ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. ફુડ સેફટી વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ નમુનાઓ પૈકી રાકેશકુમાર મહીપતરાય શાહ, રાંધનપુરી બજાર, ભાવનગર પાસેથી ઘી (લુઝ)નો નમુનો લેવામાં આવેલ હતો, જે સરકારી લેબોરેટરી દ્વારા સબસ્ટાન્ડર્ડ જાહેર થતા તેઓની સામે કેસ ચાલી જતા એડજયુડીકેટીંગ કોર્ટ દ્વારા રૂ. ૪૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
મહાપાલિકાના ફૂડ વિભાગની તપાસના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આગામી દિવસોમાં પણ ખાદ્યપદાર્થના નમૂના લેવાની કાર્યવાહી શરૂ રહેશે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોના આરોગ્ય ખરાબ થતા હોય છે ત્યારે ભેળસેળ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય છે.