ભાવનગરમાં બનેલા ડિજિટલ અરેસ્ટના પ્રથમ બનાવનો પ્રથમ આરોપી ઝડપાયો
આશરે બે માસ પૂર્વે બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કરી ૧૫ લાખ ખંખેર્યાં હતા
દાહોદના સંજેલીમાં ઠંડાપીણાની દુકાન ધરાવતા શખ્સને ઝડપી લીધો, મુખ્ય સુત્રધારોને પકડવા તપાસનો ધમધમાટ
સીબીઆઈ, પોલીસની ખોટી ઓળખ અને ઈડી, સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર મોકલી ડરાવીને છેતરપિંડી આચરી હતી
ભાવનગર શહેરના મહિલા કોલેજ પાછળના વિસ્તારમાં રહેતા અને હાલ મહારાષ્ટ્રના પુણેમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા મયુરભાઈ જીવરાજભાઈ પટેલ દિવાળીના પર્વમાં ભાવનગર પોતાના ઘરે આવ્યા હતા અને ગત તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સવારે ૮.૩૦ કલાકે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં અજાણ્યા ઈસમોએ તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદે વસ્તુઓ મોકલેલી હોવાનું જણાવી આરોપીઓએ સીબીઆઈ અને પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી હતી અને તેમના મોબાઈલમાં ઈડીના અને સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી બિલ્ડરને ડિઝિટલ અરેસ્ટ કરી લીધાં હતા અને સિક્યોરિટિ ડિપોઝિનના નામે અગગ-અલગ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી કુલ રૂ.૧૫ લાખની છેતરપિંડી આચરી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથક ભાવનગર રેન્જમાં ગત તા.૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરતા પોલીસને મહત્વની કડી હાથ લાગી હતી. પોલીસ તપાસ દરમિયાન છેતરપિંડીના આ બનાવમાં દાહોદ જિલ્લાના સંજેલી મેઈન બજાર બસ સ્ટેન્ડ રોડ પર ઠંડાપીણાંની દુકાન ધરાવતા ઘનંજય મુકેશભાઈ પુરોહિત નામના શખ્સની સંડોવણી ખુલતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઘનંજય મુકેશભાઈ પુરોહિતને ગઈકાલે અટક કરી રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ડિઝિટલ અરેસ્ટના આ બનાવના મુખ્ય સુત્રધારો સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે.