ચોટીલાની જિનિંગ મિલનાં ઉઠમણાંમાં આંકડો રૂા. 200 કરોડ સુધી પહોંચ્યો !
બીજા દિવસે પણ અફરાં-તફરીનો માહોલ, મજુરો-દલાલોમાં આક્રોશ : પોલીસ દ્વારા પીડિતોનાં નિવેદન નોંધવાની કવાયત : પણ જિનિંગ મિલનાં માલિકો-સંચાલકો બાબતે ભેદી મૌન 300 જેટલા મજૂરો ઉપરાંત ભોગ બનનાર ખેડુતો અને દલાલોની લાઈનો લાગી : ફૂલેકાનો આંક હજુ ઉંચો જવાની સંભાવના
સુરેન્દ્રનગર,ચોટીલા, : ચોટીલાની સિધ્ધનાથ કોટેક્ષ જિનિંગ મિલનાં ઉઠમણાંમાં આજે બીજા દિવસે પોલીસની પ્રાથમિક તપાસમાં ફૂલેકાનો આંકડો રૂા.૨૦૦ કરોડ સુધી પહોંચ્યો હતો ! આજે બીજા દિવસે પણ અફરાં-તફરીનાં માહોલ વચ્ચે મજુરો-દલાલોમાં આક્રોશ યથાવત રહ્યો હતો. ૩૦૦ જેટલા મજૂરો ઉપરાંત ભોગ બનનાર ખેડુતો અને દલાલોની લાઈનો લાગી હતી અને ફૂલેકાનો આંક હજુ ઉંચો જવાની સંભાવના વચ્ચે પોલીસ દ્વારા પીડિતોનાં નિવેદન નોંધવાની કવાયત ચાલુ કરવામાં આવી છે, પણ જિનિંગ મિલનાં માલિકો-સંચાલકો બાબતે ભેદી મૌન ધારણ કરી લેવામાં આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
ચોટીલાનાં થાનગઢ રોડ પર આવેલી સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. નામની જિનિંગ મિલના માલિકો ગઈકાલે અચાનક જીન બંધ કરીને નાસી છુટતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ઘણા વર્ષોથી ધમધમતી જિનિંગ મિલમાં ચોટીલા તાલુકા સહિત આસપાસના ગામોનાં 700 જેટલા કામદારો કામ કરતા હતા તેમજ ખેડુતો અને દલાલો પણ મોટી સંખ્યામાં ધંધાકીય રીતે જોડાયેલા હતા. શરૂઆતમાં જીનના માલીકો દ્વારા કામદારો, ખેડુતો અને દલાલોને નિયમીત રકમ ચુકવી આપવામાં આવતી હતી. પરંતુ કોઈ કારણોસર છેલ્લા બે-ત્રણ મહિનાથી કામદારોને પગાર, ખેડુતોને કપાસની રકમ તેમજ દલાલોને માલ-સામાનની લે-વેચની દલાલી સહિતની રકમો ચુકવવામાં આનાકાની કરતા હતા. આથી જીન માલીકો પાસે વારંવાર લેણી રકમની ઉઘરાણી કરવામાં આવતા ગઈકાલે તા. 20 ઓગષ્ટના રોજ ખેડુતો અને કામદારોને જીન ખાતે બાકીની રકમ લેવા માટે બોલાવ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા જીનની ઓફીસને તાળુ મારેલું હતું અને જીન માલિકોનાં મોબાઈલ ફોન પણ બંધ થઈ ગયા હતા.
આમ, જીન માલિકો દ્વારા મોટી રકમની છેતરપીંડી કરીને નાસી છુટયા હોવાનું માલુમ પડતા હોબાળો મચાવ્યો હતો અને આ અંગેની જાણ થતાં ચોટીલા પોલીસ તેમજ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભોગ બનનાર પાસેથી વિગતો મેળવી હતી. જેમાં ચોટીલા માર્કેટીંગ યાર્ડ સહિત અલગ-અલગ ગામના ખેડુતો, દલાલો અને કામદારો મળી અંદાજે રૂા.200 કરોડનું ફુલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું હતું. જો કે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ જીન માલીકો દ્વારા ભોગ બનનાર અનેક ખેડુતો અને દલાલો સામે આવી રહ્યા છે અને કરોડોના કૌભાંડના આંક અધધધ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ મામલે સ્થાનિક પીઆઈ આઈ.બી. વલ્વીનો સંપર્ક કરતા ભોગ બનનાર લોકોની સાથે પોલીસ તેમજ વહીવટી તંત્ર ખડેપગે હોવાનું અને છેતરપીંડીનો ભોગ બનનાર અનેક લોકો પોલીસનો સંપર્ક કરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. દરેક ભોગ બનનાર લોકોના વારાફરતી ક્રમશ: નિવેદન લીધા બાદ આધાર, પુરાવા અને જરૂરી ડોક્યુમેન્ટના આધારે જીન માલિકો સામે કાયદાકીય જોગવાઈ મુજબ ગુન્હો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જો કે, સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. નામની જિનિંગ મિલના માલિકો કોણ છે ? એ મામલે પોલીસ અને વહીવટી તંત્રએ મૌન ધારણ કરી લીધું હોવાથી તર્ક-વિતર્કો સર્જાયા છે.