જામજોધપુરના સિદસર ખાતે ઉમિયા માતાજીના પ્રાગટયોત્સવનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહોત્સવને વીડિયો કોન્ફરન્સથી સંબોધન
આજે કૃષિ સંમેલનમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઉપસ્થિત રહી ઉદ્બોધન કરશે, પાંચ દિવસના ધર્મોત્સવમાં ભાગ લેવા સંખ્યાબંધ પાટીદારો ઉમટયા
જામજોધપુર તાલુકામાં વેણુ નદીનાં કાંઠે ઉમિયાધામ સીદસર ખાતે આયોજિત સમારોહનું ઉદ્ઘાટન આજરોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોતમ રૂપાલાએ કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજને વ્યસન મુક્ત થવાની દિશામાં આગળ વધવાની જરૂર છે. રક્ષાબંધન પૂર્વે પાટીદાર સમાજની બહેનો ભાઇ પાસે ગીફટ તરીકે સાડી નહીં પરંતુ વ્યસન મુક્ત થવાનો સંકલ્પ લેવડાવે તે જરૂરી છે. નવી પેઢીને શિક્ષિત બનાવવા માટે રાજકોટ-અમદાવાદ હાઇ-વે પરના શિક્ષણ પ્રકલ્પની યોજનાને તેઓએ બિરદાવી ગુજરાતી માધ્યમમાં શિક્ષણની અનિવાર્યતા સમજાવી હતી.
સવા શતાબ્દિ મહોત્સવનાં પ્રથમ દિવસે વેણુ નદીના કાંઠે આયોજિત સહસ્ત્રદીપ આરતીમાં અનેક પરિવારજનો જોડાયા હતા જેના કારણે ગંગાઘાટ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. લેસર શો અને રંગબેરંગી લાઇટ થકી ઉમિયાધામ સીદસર ઝળહળી ઉઠયું હતું. સમારોહ દરમિયાન મુખ્ય યજમાન જગદીશભાઇ કોટડીયા, પુનીતભાઇ ચોવટીયા, પાટીદાર મહાપદ્મ જીવનભાઇ ગોવાણી અને મૌલેશભાઇ ઉકાણીનાં સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહોત્સવના કાર્યમાં ઉપયોગી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સિદસર ખાતે આયોજિત ધર્મોત્સવ દરમિયાન ૨૫ કુંડી યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેદપાઠી બ્રાહ્મણો દ્વારા સવાર-સાંજ આહુતિ આપશે. આજે અરણીમંથન દ્વારા અગ્નિ પ્રજ્જવલિત કરવામાં આવતા વાતાવરણમાં દિવ્ય અનુભૂતિ થઇ હતી. બપોર બાદ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને આત્મવિશ્વાસસભર કાર્યો કરવા માટે પ્રેરણારૂપ ઉદ્બોધન કરવામાં આવ્યા હતા. મહોત્સવમાં આયોજિત કૃષિમેળો ખેડૂતો માટે ઉપયોગી હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો કૃષિ ઉપયોગી સાધનો નિહાળવા માટે ઉમટયા હતા. આવતીકાલ તા.૨૬ના ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રત સિદસરનાં કૃષિ સંમેલનમાં ઉપસ્થિ રહી પ્રાસંગિક ઉદ્બોધન કરશે.