ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાને પોલીસે ડિટેન કર્યા
જિલ્લા રજીસ્ટ્રારની કચેરીમાં ધરણા માટે પરમિશન લીધી નહતી
વડોદરા,મહારાણા પ્રતાપ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના હિસાબોના વિવાદમાં જિલ્લા રજીસ્ટ્રારની કચેરીમાં પરમિશન વગર ધરણા પર બેસેલા મહિલા કોર્પોરેટરના પિતાને રાવપુરા પોલીસે ડિટેન કર્યા હતા.
મળતી માહિતી મુજબ, વોર્ડ - ૭ ના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશભાઇ રાણાએ જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના હિસાબો અંગે મેં કલેક્ટર કચેરીમાં વર્ષ - ૨૦૧૫ માં ફરિયાદ કરી હતી. જે ફરિયાદ તપાસ અર્થે જિલ્લા રજીસ્ટારાની કચેરીમાં ફોરવર્ડ થઇ હતી. ત્યારબાદ સમાધાન માટે વાતચીત થતા મેં અરજી પરત ખેચી હતી. પરંતુ, સમાધાનની ફોર્મ્યુલાનો અમલ કરવામાં આવ્યો નહતો. મને સભાસદ પદેથી દૂર કરવામાં આવ્યો હતો. તેમજ મારી સામે કોર્ટમાં પણ કેસ કરાયો હતો. જે કેસ પાછળથી વિડ્રો કરી લેવામાં આવ્યો હતો.
આ વિવાદમાં તેઓને ન્યાય મળતો નહીં હોવાથી ધરણા પર બેઠા હતા. પરંતુ, પોલીસનું કહેવું છે કે, નરેશભાઇ રાણાએ પરમિશન લીધી નહીં હોવાથી તેઓને ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.