પરિવાર ગણપતિ જોવા ગયો અને ચોર ટોળકી ઘરમાંથી દાગીના લઇને ફરાર
ગણપતિ જોવા ગયેલા પરિવારના ઘરના તાળા તોડીને ચોર ટોળકી 76 હજારના દાગીના ચોરી ગઇ હતી. જ્યારે પ્રોડક્ટિવિટી રોડ પરની દુકાનના તાળા તોડીને ચોર રોકડા 45 હજાર અને ચણીયા ચોળી ચોરી ગયા હતા.
વાઘોડિયા રોડ કૈલાસ પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિક અજયકુમાર સલગર માંજલપુર અલવા નાકા પાસે આવેલી ફાસ્ટેક લોન સર્વસિસની ઓફિસમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ગત તા. 13 મી એ રાતે સાડા આઠ વાગ્યે હાર્દિક, તેની બહેન તથા માતા મકાનને તાળું મારીને મોપેડ પર ગણપતિ જોવા માટે નીકળ્યા હતા.રાતે સાડા અગિયાર વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે ઘરની લોખંડની જાળીના દરવાજાને મારેલું તાળું તૂટેલી હાલતમાં હતું. ઘરમાં જઇને જોતા તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હાલતમાં હતો. ચોર ટોળકી સોનાના પાંચ તોલા વજનના દાગીના અને ચાંદીની ઝાંઝર મળી કુલ ૭૬ હજારની મતા ચોરી ગઇ હતી.જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વારસિયા અંબિકા નગર સોસાયટીમાં રહેતા કરણ હિરાલાલ લુધરાણીની પ્રોડક્ટિવિટી રોડ પર માનસી કોમ્પલેક્સમાં સૂઇ ધાગા નામની દુકાન છે.
ગત તા. 13 મી એ રાતે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજે દિવસે સવારે ચ્હાની લારીવાળાએ કોલ કરીને ચોરી થયાની જાણ કરી હતી. તેઓએ સ્થળ પર જઇને તપાસ કરતા રોકડા 45 હજાર તથા ચણીયા ચોળીના પીસ મળી કુલ 90 હજારની મતા ચોરી ગઇ હતી.