ગોપીપુરા જગુવલ્લભની પોળના દેવી જ્વેલર્સની ઘટના: કારખાના માલિકે આશરો આપ્યો તે ભૂતપૂર્વ કારીગરરૂ. 45.86 લાખનું સોનું અને હીરા લઇ છૂ
- 2011 માં ત્રણ મહિના કામ કરનાર હમવતની કામની શોધમાં આવ્યો, માલિકે કામ નથી એવું કહેતા કારખાનામાં રહેવાની વ્યવસ્થા કરી આપી
- પોતાની કરતૂત સીસીટીવીમાં કેદ નહીં થાય તે માટે બે કેમેરાના વાયર કાપ્યા, પરંતુ અન્ય કેમેરામાં સમગ્ર કરતૂત કેદ થઇ ગઇ
સુરત
સુરતના ગોપીપુરાની જગુવલ્લભની પોળમાં દેવી જ્વેલર્સ નામના દાગીના બનાવવાના કારખાનામાં આશરો લેનાર ભૂતપૂર્વ કારીગર 458.65 ગ્રામ સોનું અને 39.23 કેરેટના હીરા મળી કુલ રૂ. 45.86 લાખની મત્તા ચોરી રફુચક્કર થઇ જતા અઠવાલાઇન્સ પોલીસે તપાસ હાથ ધરી છે. ભૂતપૂર્વ કારીગરે પોતાની કરતૂત સીસીટીવીમાં કેદ નહીં થાય તે માટે બે કેમેરાના વાયર કાપી નાંખ્યા હતા પરંતુ અન્ય કેમેરામાં બેગ લઇ જતા કેદ થઇ ગયો હતો.
ગોપીપુરાની જગુવલ્લભની પોળમાં સીંગાપુરી ગર્લ્સ સ્કૂલ સામે સિધ્ધી વિનાયક બિલ્ડીંગના ત્રીજા માળે દેવી જ્વેલર્સ નામે સોના-ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા બ્રિજેશ કાર્તીક હાથી (ઉ.વ. 44 રહે. રાજહંસ રેસીડન્સી, ડોક્ટર પાર્ક નજીક, મોરાભાગળ અને મૂળ. ડફરપુર, હાવડા, પ. બંગાળ) ને ત્યાં અસીમ પાલ, સઇદ આલમ, ઉત્પલ માજી અને અનુપાલ બૈરાગ્યા નામના કારીગર કામ કરે છે. વર્ષ 2011 માં ત્રણ મહિના કામ કરનાર સોમનાથ દેબુ મુખરજી (મૂળ રહે. કનાઇપુર, બોરવરીતલા, શિવતલા, જી. હુગલી, પ. બંગાળ) ગત 8 સપ્ટેમ્બરના રોજ બ્રિજેશને મળ્યો હતો અને કામ આપવાની વાત કરી હતી. પરંતુ બ્રિજેશે હાલમાં મારી પાસે કામ નથી એવું કહેતા સોમનાથી રીકવેસ્ટને પગલે કારખાનામાં અન્ય કારીગર સાથે રહેવાની વ્યવસ્થા કરી જાતે જ કામ શોધવા કહ્યુ હતું. જે અંતર્ગત બ્રાહ્રમણ હોવાથી કારખાનામાં પૂજા કરવાથી લઇ સફાઇ, જમવાનું બનાવવા સહિતનું કામ કરતો હોવાથી બ્રિજેશે રૂ. 3 હજાર વાપરવા આપ્યા હતા. પરંતુ 7 ઓકટોબરના રોજ અસીમ પાલના બનેવી વતન જવાના હોવાથી રેલવે સ્ટેશન મુકવા જવા માટે રાતે બનેવીના વેડ રોડ ખાતેના રહેણાંક ખાતે ગયો હતો. જયારે સઇદ આલમ બિલ્ડીંગની નીચે એ.સી રીપેરીંગનું કામ કરતા કારીગર સાથે મોડી રાત સુધી મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. આ અરસામાં સોમનાથ ઉપરોકત ચારેય કારીગરને દાગીના બનાવવા આપવામાં આવેલું 458.65 ગ્રામ સોનું અને 39.23 કેરેટના રૂ. 10.40 લાખની કિંમતના હીરા મળી કુલ રૂ. 45.86 લાખની મત્તા ચોરીને ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે પોતાની કરતૂત સીસીટીવીમાં કેદ નહીં થાય તે માટે બે કેમેરાના વાયર કાપી પણ નાંખ્યા હતા તેમ છતા સોનુ અને હીરા ચોરી બેગ લઇ જતા અન્ય કેમેરામાં કેદ થઇ ગયો હતો.