ફતેપુરાથી મચ્છીપીઠ સુધીના રોડ પરથી દબાણો હટાવાયા
આડેધડ વાહન પાર્ક કરનાર ૧૦૮ વાહન ચાલકોને દંડ ફટકાર્યો
વડોદરા,કોર્પોરેશન તથા પોલીસ દ્વારા આજે સાંજે સંયુક્ત કામગીરી હાથ ધરી ફતેપુરાથી મચ્છીપીઠ સુધીના રોડ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા.
કોર્પોરેશન તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીસીપી પન્ના મોમાયાની આગેવાની હેઠળ આજે સાંજે સાડા પાંચ થી સાત દરમિયાન અડાણીયા પુલ , કાલુપુરા રોડ, ભક્તિ સર્કલ ( નવાબજાર) થી કારેલીબાગ પોલીસ સ્ટેશન, સૈયદપુરા નાકા, નાગરવાડા ચાર રસ્તા, પટેલ ફળિયું, નવાબવાડા, મચ્છીપીઠ, સલાટવાડાથી ફૂલબારી નાકા સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા. રોડ પર લગાવવામાં આવેલા લારી, ગલ્લા, પથારા, લટકણીયા, ટાયર, વાંસની પાઇપો અને હોર્ડિંગ્સ બે ટ્રકમાં ભરીને દબાણ શાખાની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા હતા. જ્યારે રોડ પર આડેધડ પાર્ક થયેલા ૧૦૮ વાહનના ચાલકોને ઇ - મેમો આપવામાં આવ્યા છે.