EC અને BoMમાં મર્યાદિત સભ્યોની નિમણૂકથી નિમેલા સભ્યોની મનમાની
- કુલપતિના પાવરનો ઉપયોગ કરી નિયમાનુસાર કોરમ પૂર્ણ કરવું અનિવાર્ય
- કોરમ પૂર્ણ નહીં થતા ત્રણ-ત્રણ વાર બોલાવેલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સભા રદ્દ કરવી પડી : અનેક નિર્ણયો અધ્ધરતાલ
નવો કોમન એક્ટ લાગુ થયાને પણ ખાસ્સો સમય વીતી ગયો છે અને નવી એનઇપી પ્રમાણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલ ૨૨ સભ્યોની નિમણૂક અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલ ૧૮ સભ્યોનું પ્રાવધાન છે જેમાં ઇ.સી. અંતર્ગત ચાર સભ્યોની નિમણૂક સરકાર પક્ષે થવાની અને બાકીના સભ્યોની નિમણૂક કુલપતિ કક્ષાએથી કરવાની હોય છે. જ્યારે બોર્ડમાં તમામ સભ્યોની નિમણૂકની સત્તા કુલપતિને અપાઇ છે ત્યારે અઢી માસ પૂર્વે ન છુટકે સર્વોચ્ચ સત્તા મંડળની આ બન્ને બોડીમાંથી ઇ.સી.માં વી.સી. રજિસ્ટ્રાર સહિત કુલ ૮નું કોરમ પુરાયું છે. જ્યારે ૪ સભ્યો સરકારી પ્રતિનિધિને બાદ કરતા હજુ ૧૦ સભ્યોની નિમણૂક બાકી રહે છે. જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં છ સભ્યોની નિમણૂક કરાય છે. જ્યારે ૧૨ સભ્યોની નિમણૂક બાકી છે. જે તમામની નિમણૂંકની સત્તા કુલપતિની છે. પરંતુ હાલના સંજોગોમાં માત્ર ગણ્યા ગાંઠયા સભ્યોની નિમણૂક કરાતા કોરમનો પ્રશ્ન હાલ યક્ષ બનેલ છે. દોઢેક માસ પૂર્વે ઇ.સી.ની ૧૨૮ એજન્ડા સાથે ઇ.સી. મળી પણ ૧૦૦ મુદ્દાને લીધા બાદ ઇ.સી. એડઝોન થઇ અને ત્યારબાદ આજ સુધીમાં બેવાર તારીખ આપવા છતાં ઇ.સી. સભા કોરમના અભાવે પૂર્ણ થઇ શકી નથી અને બોર્ડની બેઠક તો મળી જ નથી. આમ યુનિવર્સિટીમાં આવી મહત્વની બેઠકો નહીં મળતા વિદ્યાર્થીલક્ષી, શિક્ષણલક્ષી અને વહિવટીલક્ષી પ્રશ્નો ઠેરના ઠેર રહેવા પામ્યા છે ત્યારે કમિટીના બાકીના ખાલી સ્થાનો નિયમાનુસાર તાકીદે ભરવામાં આવે તો કોરમ પૂર્ણ થાય અને મૃતપાય થયેલી યુનિ.માં નવા આયામોને સ્થાન મળે અને પડતર પ્રશ્નોનું નિરાકરણ પણ આવે. જે બાબતને ગંભીરતાથી લેવી અતિ આવશ્યક બની છે.
આગામી ટૂંક સમયમાં બન્ને બોડીનું કોરમ પૂર્ણ કરાશે : વી.સી.
મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ૧૦ સભ્યો અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ૧૨ સભ્યોની નિમણૂક બાકી રહેવા પામી છે જેની સત્તા કુલપતિની હોય જે અંગે ઇન્ચાર્જ કુલપતિને પુછતા તેઓએ આ અધુરી નિમણૂકો આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું.
EC અને BoMમાં કઇ જગ્યા બાકી
એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ
પરીક્ષા નિયામક પ્રતિષ્ઠીત વ્યક્તિ
એકાઉન્ટ ઓફીસર ડીન-૨
કોલેજના આચાર્ય-૪ હેડ-૧
પ્રોફેસર-૪ કોલેજ ટીચર-૨
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મેનેજમેન્ટના પ્રતિનિધિ-૧
સરકારી પ્રતિનિધિ-૪ નોંધાયેલ ગ્રેજ્યુએટ-૨
- એકેડેમીક સભ્ય-૨