ઘુંટણની સારવારના બહાને ૪ લાખ પડાવી લેનાર ડોક્ટર અદ્રશ્ય
ડોક્ટરે જે એકાઉન્ટમાં ચેક જમા કરાવ્યો હતો તે એકાઉન્ટ હોલ્ડર મહિલાને પોલીસે શોધી કાઢી
વડોદરા,સિનિયર સિટિઝનને ઘુંટણની સારવાર માટેનું કહી ચાર લાખ પડાવી લેનાર કથિત ડોક્ટરની સામે નવાપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ કેસમાં જે મહિલાના એકાઉન્ટમાં રૃપિયા જમા થયા હતા. તેને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ડોક્ટર હજી પકડાયા નથી.
આર.વી.દેસાઇ રોડ શક્તિ કૃપા સોસાયટી પાસે જયનગર સોસાયટીમાં રહેતા ૮૨ વર્ષના વિનોદચંદ્ર ભાનુપ્રસાદ પંડયાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૧ - ૦૨ - ૨૦૨૨ ના રોજ હું તથા મારા પત્ની પ્રતિમાબેન વિજય સેલ્સના શો રૃમમાં ગયા હતા. મારા પત્નીને ચાલવાની તકલીફ હતી. ત્યાં હાજર નીતિન અગ્રવાલે અમારી પાસે આવીને કહ્યું કે, મારા માતાને પણ ઘુંટણની તકલીફ હતી. ડો. સિદ્દીકીની સારવાર કરાવતા તેની તકલીફ દૂર થઇ ગઇ અને દુખાવો પણ બંધ થઇ ગયો. તમે પણ ડો.સિદ્દીકી જોડે સારવાર કરાવશો તો તમારી તકલીફ દૂર થઇ જશે. નીતિન અગ્રવાલે ડો.સિદ્દીકીને અમારો મોબાઇલ નંબર આપી સારવાર માટે વાત કરી હતી.
તા.૨૩ - ૦૨ - ૨૦૨૨ ના રોજ ડો.સિદ્દીકી મારા ઘરે આવ્યા હતા. તેમણે ક્હયું કે, તમારા પત્નીનેે ફંૂંકણી દ્વારા ઘુંટણમાંથી પરૃં ખેંચવાથી સારૃં થઇ જશે. ફૂંકણીથી એક વખત પરૃં ખેંચવાના અઢી હજાર રૃપિયા થશે. અમે ચાર લાખનો ચેક નામ લખ્યા વગરનો કોરો આપ્યો હતો. ડો.સિદ્દીકીએ તેમના ઓળખીતા પ્રફુલત્તાબેન સત્યવાનભાઇ પાટિલનું નામ ચેકમાં લખી રૃપિયા ઉપાડી લીધા હતા. ડો.સિદ્દીકીએ કહ્યું હતું કે, જ્યાં સુધી તમારા પત્નીની સારવાર ચાલુ રહેશે ત્યાં સુધી તમારા ઘરે આવતા રહીશું. પરંતુ, એકવાર આવ્યા પછી ડો.સિદ્દીકી ફરીથી આવ્યા નહતા. આ કેસમાં નવાપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.એન. પરમારે પ્રફુલત્તાબેનનેે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રફુલત્તાબેન પણ સિનિયર સિટિઝન હોઇ નોટિસ આપી તેઓને જવા દેવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરનું નામ, સરનામુ અને કોઇ કોન્ટેક્ટ નંબર જ નથી.