લગ્નના આગલા દિવસે જ યુવાનને ભાવિ પત્નીના પ્રેમીએ રહેંસી નાખ્યો
ધારીના મીઠાપુર - નક્કી ગામે વરપક્ષ પર વજ્રઘાત ખડાધાર ગામના પ્રેમી શખ્સે નિર્દોષ યુવકને દલખાણીયા ગામની સીમમાં બોલાવીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો : હત્યારાને પકડવા પોલીસ ટીમો બનાવાઈ : આજે વાજતે - ગાજતે જાન જવાની હતી એ યુવકની અર્થી ઉઠતા પરિવારમાં શોકનું મોજું
અમરેલી, : અમરેલી જિલ્લામાં સાવરકુંડલા બાદ આજે ધારી પંથકમાં હૈયુ હચમચાવતી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ધારીના મીઠાપુર નક્કી ગામના યુવાનને લગ્નના આગલા દિવસે જ ભાવિ પત્નીના પ્રેમીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા વરપક્ષ પર વજ્રઘાત જેવી કરૃણ સ્થિતિએ શોકનું મોજું પ્રસરાવી દીધું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ધારી તાલુાકના મીઠાપુર નક્કી ગામે રહેતા વિશાલ મનોજભાઈ મકવાણા નામના ૧૯ વર્ષીય યુવકના આવતીકાલે તા.૨૨મી ફેબુ્રઆરીએ લગ્ન નિર્ધાર્યા હતાં. પરંતુ તેની ભાવિ પત્ની અને ખડાધાર ગામના સોયેબ સમા નામના શખ્સ વચ્ચે પ્રેમસંબંધ હતાં. જેથી પ્રેમી સોમેબે અગાઉ વિશાલને લગ્ન નહી કરવા માટે ધમકી આપી હતી. જેને વિશાલે નજરઅંદાજ કરી દીધી હતી.
આ દરમિયાન ગઈકાલે ગુરૃવારે સાંજે વિશાલને ઈન્સ્ટાગ્રામથી કોલ કરીને શોએબ શમાએ મળવા માટે દલખાણીયા ગામની સીમમાં બોલાવ્યો હતો. જયાં અન્ય એક મિત્રની મદદથી બન્નેએ વિશાલને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતાં. આ ઘટનાની જાણ થતાં મૃતક વિશાલના પરિવારમાં આક્રંદ પ્રસરી ગયો હતો. પોલીસ ટીમ દોડી આવી હતી અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ફરિયાદ નોંધીને ફરાર સોએબ અને તેના મિત્રને શોધવા અલગ અલગ ટીમોને કામે લગાડી દીધી હતી.
મીઠાપુર નક્કી ગામમાં જયાં લગ્નગીતો ગવાતા હતાં ત્યો મરશીયા ગવાતા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. વાજતે ગાજતે જેની જાન જવાની હતી, એ જ વરરાજા યુવકની અર્થી સાથે સમશાનયાત્રા નીકળતા કુટુંબીજનોના આક્રંદથી સૌકોઈના હૃદય હચમચી ગયા હતાં.