સિંહોના વસવાટવાળા વિસ્તારોમાં ફાર્મહાઉસ બનાવવાનો ક્રેઝ વધ્યો

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
સિંહોના વસવાટવાળા વિસ્તારોમાં ફાર્મહાઉસ બનાવવાનો  ક્રેઝ વધ્યો 1 - image


ગીર આસપાસ અનેક ગામોની જમીનના ભાવમાં મોટી તેજી : શહેરોના ઘોંઘાટ, કોંક્રિટના જંગલ, પ્રદૂષણથી ત્રસ્ત ધનિકો કુદરતી સૌંદર્ય અને શાંતિ તરફ વળ્યા : ફાર્મહાઉસમાં તૈયાર થતા આંબાના બગીચાઓ

જૂનાગઢ, : સિંહોના વસવાટવાળા વિસ્તારમાં જમીનોના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ગીરની આસપાસ ફાર્મહાઉસ બનાવવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. મોટાભાગના ફાર્મહાઉસમાં આંબાનો બગીચો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં સિંહોની અવર-જવરવાળા વિસ્તારોમાં જમીનોના ભાવ વધી ગયા છે. તેમાંય સાસણ, મેંદરડા આસપાસ એક વિઘાના 20 લાખથી 60 લાખ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે.

સિંહો તેમનો વિસ્તાર સતત વધારી રહ્યા છે. જંગલ ટૂંકું પડી રહ્યું હોવાથી મોટાભાગના સિંહો રેવન્યુ વિસ્તારમાં અવર-જવર અને વસવાટ કરવા લાગ્યા છે. સિંહ જોવાનો ક્રેઝ દિવસે-દિવસે વધી રહ્યો છે. સિંહની આસપાસ પ્રકૃતિ અને કુદરતી સૌંદર્ય હોય છે. શહેરોના પ્રદૂષણથી કંટાળી લોકો ફરીવાર કુદરત તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે જે વિસ્તારમાં જંગલ નજીક છે તેવા ગામડાઓમાં જમીનોના ભાવમાં ઉછાળો આવ્યો છે. રાજકોટ, અમદાવાદ, મોરબી, સુરત સહિતનાં શહેરોમાંથી લોકો ગીરની આસપાસ જમીનો લઈ રહ્યા છે. જેના કારણે જમીનના ભાવમાં ઉછાળો આવ્યો છે. જે જગ્યાએ બે-ત્રણ લાખની વિઘો જમીન મળતી હતી ત્યાં પાંચ-સાત લાખથી વધુ ભાવ બોલાઈ રહ્યા છે અને તેવા ભાવે સોદા પણ થાય છે.

બહારના લોકો ગીરની આસપાસ જમીન લે ત્યાં મોટાભાગે આંબાનો બગીચો અને મકાન બનાવી ફાર્મહાઉસ તૈયાર કરે છે. આ ક્રેઝના કારણે આંબાના વાવેતરમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. જૂનાગઢના ગિરનારની ફરતી તરફ એટલે કે જૂનાગઢ અને ભેસાણ તાલુકાના ગિરનારની નજીક આવેલા ગામડાઓમાં, જૂનાગઢ જિલ્લાના વિસાવદર, મેંદરડા, માળિયાહાટીના, ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા, સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ઊના જ્યારે અમરેલી જિલ્લાના ધારી, ચલાળા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારો કે જ્યાં ગીરનો કાંઠો આવે છે તે ગામડાઓમાં જમીનના ભાવમાં મોટી તેજી જોવા મળી રહી છે. મેંદરડા, સાસણ આસપાસ જમીનના ભાવ આસમાને પહોંચ્યા હોય તેમ  એક વિઘા જમીનના 20 લાખથી 60 લાખ સુધીના ભાવે સોદા થઈ રહ્યા છે.

જે લોકો જમીન ખરીદી કરે છે તેને ખેતી કરવાની ફુરસદ ન હોવાથી મોટાભાગે આંબાના બગીચા બનાવે છે. તેમાંય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વાવેતર અને તેનો ઉછેર કરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. 5 વિઘાથી લઈ 20- 25 વિઘા સુધીના નવા ફાર્મહાઉસ ખૂબ મોટી સંખ્યામાં તૈયાર થઈ રહ્યા છે. આ ફાર્મહાઉસ બનવાનો ક્રેઝ વધવા પાછળનું મુખ્ય કારણ એવું માનવામાં આવે છે કે, શહેરોની ગીચતા અને પ્રદૂષણનાં કારણે ધનિક લોકો કુદરતી વાતાવરણ અને શાંતિ માટે જંગલની આસપાસના વિસ્તારો પસંદ કરી રહ્યા છે. રજા કે તહેવારોના સમયે ગીરના કાંઠે તેમના અથવા સગાસબંધી કે મિત્રોનાં ફાર્મહાઉસે સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે.

આંબાનાં વાવેતર માટેની પધ્ધતિમાં પણ ફેરફાર

ગીરની આસપાસ ફાર્મહાઉસમાં આંબાનો બગીચો તૈયાર કરી તેમાંથી આવક પણ થઈ શકે છે. અગાઉ કરતા હવે આંબાના વાવેતરમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ બે આંબાઓ વચ્ચે ખૂબ મોટી જગ્યા છોડવામાં આવતી હતી, હવે 10  બાય 10, 12 બાય 12, 15 બાય 15નાં અંતરે આંબાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. એક હેક્ટરે ૬થી ૭ મેટ્રીક ટન કેરીનું ઉત્પાદન થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી કેરીના ભાવ પણ સારા રહેતા હોવાથી આંબાનો બગીચો કરવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે.


Google NewsGoogle News