માંડવી દરવાજાની તિરાડો વધારે પહોળી થઈ રહી છે, ચોમાસા પહેલા સમારકામ કરવું જ પડશે
લગભગ 400 વર્ષ જૂની ઐતિહાસિક ઈમારત માંડવી દરવાજાની દયાજનક હાલત વડોદરાવાસીઓમાં ચિંતાનો વિષય બની છે.
આજે વડોદરાના હેરિટેજ ટ્રસ્ટના પ્રમુખ, સભ્ય તેમજ મહારાણી રાધિકારાજે ગાયકવાડ માંડવી દરવાજા ખાતે પહોંચ્યા હતા. હેરિટેજ ટ્રસ્ટના સભ્ય અને દેશભરમાં ગેટ વે ઓફ ઈન્ડિયા સહિત 100 વર્ષ કરતા વધારે જૂની 100થી વધારે ઈમારતોનું રિસ્ટોરેશન કરનાર નિમિષ માકડિયાએ કહ્યું હતું કે, કેટલીક જૂની ઈમારતો એવી હોય છે કે જેના પર પડેલી તિરાડો એક તબક્કે અટકી જતી હોય છે. જ્યારે માડવી દરવાજા પર પડેલી તિરાડો લાઈવ ક્રેક છે. જેનો અર્થ એ છે કે આ તિરાડો વધારે પહોળી થઈ રહી છે. આની પાછળનું કારણ જાણવા માટે ડિટેલ સર્વે કરવાની જરુર છે. પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે, માંડવીની નીચે અથવા આસપાસની જમીનમાં થઈ રહેલી ગ્રાઉન્ડ મૂવમેન્ટથી દરવાજાને નુકસાન થયું હોવાની શક્યતા છે. આ ઉપરાંત તેની ચારે તરફથી રોજ પસાર થતા હજારો વાહનો, ડીજેનું વાઈબ્રેશન, નજીકમાં આવેલી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન કે બીજી ઘણી શક્યતાઓને ધ્યાનમાં લેવી પડે તેમ છે. મૂળ કારણ જાણવા માટે ઉંડી તપાસ કરીને ડિટેલ રિપોર્ટ બનાવવો જરુરી છે.
તેમણે કહ્યું હતું કે, ચોમાસા પહેલા માંડવીની ઈમારતનું સમારકામ જરુરી છે. નહીંતર ચોમાસામાં વરસાદ અને ભેજના કારણે માંડવીની સ્થિતિ વધારે બગડી શકે છે. અત્યારે લોંખંડના પિલ્લરો મૂકીને જે સપોર્ટ આપવામાં આવ્યો છે તે બરાબર છે. તેના કારણે તિરાડો વધારે પહોળી થઈ હોવાનું લાગતું નથી. સપોર્ટ ના મૂકયા હોય તો પણ તિરાડો પહોળી થતી હોત.