વિધવા માતાની ખોરાકી રીકવરીની માંગ નકારવા પુત્રની વાંધા અરજી કોર્ટે ફગાવી

ફેમીલી કોર્ટે વિધવા માતાને ભરણ પોષણ માટે કરેલો હુકમ રદ થયો ન હોઈ પુત્રની જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો

આભવાની જમીનનો રીલીઝ ડીડ રદ કરાવવા વિધવા માતા-પુત્રીએ કરેલા સીવીલ દાવાના પગલે બંને પક્ષકારો વચ્ચે થયેલા સમાધાન કરાર મુજબ વિધવા માતાને પુત્રએ છ માસમાં 1 કરોડ વ્યાજ સહિત ચુકવ્યા નહોતા

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
વિધવા માતાની ખોરાકી રીકવરીની માંગ નકારવા પુત્રની વાંધા અરજી કોર્ટે ફગાવી 1 - image


સુરત

ફેમીલી કોર્ટે વિધવા માતાને ભરણ પોષણ માટે કરેલો હુકમ રદ થયો ન હોઈ પુત્રની જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો

વિધવા માતાએ પોતાના પુત્ર વિરુધ્ધ ચડત ભરણપોષણ વસુલ અપાવવા કરેલી રીકવરી અરજીની સામે પુત્રએ ઉઠાવેલા વાંધા અરજીને સુરત ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ એમ.એન.મન્સુરીએ નકારી કાઢી છે.કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટે અરજદાર વિધવા માતાને માસિક રૃ.6 હજાર ભરણ પોષણ ચુકવા કરેલો હુકમ રદ થયો ન હોઈ અમલમાં હોવાથી સામાવાળા પુત્રએ ભરણ પોષણની રકમ ચુકવવા જવાબદાર છે.

ફરિયાદી વિધવા માતા રીનાબેને પોતાના સગા પુત્ર હિતેશભાઈ તથા પરિવારના અન્ય સભ્યો વિરુધ્ધ ભરણપોષણ વસુલ અપાવવા  વર્ષ-2008માં અરજી કરી હતી.જેની સુનાવણી બાદ ફેમીલી કોર્ટે અરજદાર વિધવા માતાના પુત્રને માસિક રૃ.6 હજાર લેખે અરજી તારીખથી વસુલ હુકમની તારખ સુધી ભરણપોષણ ચુકવવા હુકમ કર્યો હતો.અલબત્ત વિધવા માતા તથા તેની પુત્રીએ  પોતાના પુત્ર-ભાઈ વિરુધ્ધ તેમણે કરી આપેલા આભવાની કરોડો રૃપિયાની જમીનનો રીલીઝ ડીડ રદ કરાવવા સ્પેશ્યલ દિવાની દાવો પણ સીવીલ કોર્ટમાં દાખલ કર્યો હતો.જેના પગલે બંને પક્ષકારો વચ્ચે થયેલા સમાધાન કરાર મુજબ પુત્રએ કરારની શરત મુજબ વિધવા માતાને કાયમી ભરણપોષણ પેટે રૃ.2 કરોડ ચુકવવાના હતા.જે પૈકી 1 કરોડ પુત્રએ સમાધાન દરમિયાન અને બાકીના 1 કરોડ છ માસમાં ન ચુકવી શકે તો 15 ટકા વ્યાજ સહિત ચુકવવાની શરત લાદવામાં આવી હતી.પરંતુ નિયત સમયમાં બાકીના 1 કરોડ વ્યાજ સહિત ચુકવવામાં પુત્ર હિતેશભાઈ નિષ્ફળ જવા સાથે વિધવા માતા પર શારરિક માનસિક ત્રાસ ગુજારતા વિધવા માતાએ પુત્ર વિરુધ્ધ ઘરેલું હિસાના કાયદા હેઠળ પણ કેસ કર્યો હતો.

બીજી તરફ પુત્ર પાસેથી ફેમીલી કોર્ટે કરેલા માસિક રૃ.6 હજાર લેખે ચડત ભરણપોષણની રકમ વસુલ અપાવવા વિધવા માતા રીનાબેને નેહલ મહેતા દ્વારા ફેમીલી કોર્ટમાં રીકવરી અરજી કરી હતી.જેની સામે પુત્ર હિતેશભાઈએ વાંધા અરજી રજુ કરી માતાની રીકવરી અરજી રદ કરવા માંગ કરી હતી.પુત્ર તરફે જણાવાયું હતું કે જમીન મિલકતના દાવામાં થયેલા સમાધાન કરાર મુજબ પુત્રએ રહેઠાણ,કાયમી ભરણપોષણ સહિતની ખર્ચની વ્યવસ્થા કરી દીધી છે.વિધવા માતાએ ભરણપોષણ,ઘરેલું હિંસા સહિતના તમામ કેસોનો અંત લાવવાનું જણાવ્યું હતુ.જેથી હાલની માતાની રીકવરી અરજી રદ કરવા માંગ કરી હતી.જો કે કોર્ટે પુત્રની વાંધા અરજી નકારી કાઢતા જણાવ્યું હતું કે પુત્રએ રીકવરી અરજી સામે વાંધા અરજી કરી છે.પરંતુ અગાઉનો ભરણપોષણનો હુકમ રદ થયો ન હોઈ અમલમાં હોવાથી સામાવાળા પુત્ર  ભરણપોષણ ચુકવવા જવાબદાર છે.


suratcourt

Google NewsGoogle News