પ્રસિધ્ધિ નિર્માણ ગૃપના કૌભાંડી દંપતિ બે મહિના બાદ પણ પોલીસ પકડથી દૂર
- રાજકીય લાગવગના જોરે ઢીલી તપાસ થઈ રહી હોવાની ચર્ચા
- રોકાણકારોને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવાયું : પોલીસની કામગીરી સામે રોકાણકારોમાં રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા સહિત મહેસાણા, બનાસકાંઠામાંથી રોકાણકારોને લોભામણી જાહેરાતો દ્વારા રૂપિયા બચતના નામે પાલનપુરની પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓપ કંપનીમાં રોકાણ કરાવી કંપનીના અધિકારીઓ નાસી છુટયા છે. મેથાણ ગામમાં ૯૦થી વધુ મહિલાઓના અંદાજે રૂા.૧ કરોડથી વધુની છેતરપીંડી આચરી છે. જે મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક દ્વારા ભોગ બનનાર લોકોને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવાયું છે. બીજી તરફ સમગ્ર કૌભાંડ આચરનાર ઠગ દંપતિ હજુ પકડથી દૂર છે.
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની અંદાજે ૯૦થી વધુ મહિલાઓએ ગામમાં જ રહેતી ત્રણ અલગ-અલગ મહિલા એજન્ટો દ્વારા બચતના નામે પાલનપુરની પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓપ કંપનીમાં દર મહિને રૂા.૫૦૦ અથવા રૂા.૧૦૦૦ જમા કરાવ્યા હતા. ૬ વર્ષ સુધી મેથાણ ગામની મહિલાઓએ ૫ોતાની બચતની અને પરચુરણ કમાઈની આવકના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા હતા. જેમાં દરેક મહિલાને એજન્ટોએ ૬ વર્ષના રૂપિયા ૩૬,૦૦૦ના રૂા.૪૯,૫૦૦ અને રૂા.૭૨,૦૦૦ના રૂા.૯૮,૫૦૦ પરત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ મુદ્દત પાક્યા બાદ રોકાણ કરનાર મહિલાઓએ એજન્ટો પાસે ભરેલ રકમની વ્યાજ સાથે ઉઘરાણી કરતા એજન્ટોએ બહાના બતાવ્યા હતા અને ગલ્લા-તલ્લા કરતા અંતે ધ્રાંગધ્રા ખાતે આવેલ કંપનીની બ્રાન્ચનો સંપર્ક કરતા ત્યાં પણ ઓફીસે તાળા મારી જવાબદાર સંચાલકો નાસી છુટયા હતા.
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં આ કૌભાંડ અંગે ગત તા.૨૭-૦૯-૨૦૨૪ના રોજ ગુનો નોંધાઈ ચુક્યો હોવાથી ભોગ બનનાર લોકોને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવાયું છે. પ્રસિધ્ધિ નિર્માણ ગૃપના કૌભાંડની તપાસ સ્થાનીક પોલીસ મથક ઉપરાંત ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. બે મહિના પહેલા ગુનો નોંધાયો હોવા છતાં હજુ સુધી ગૃપના મુખ્ય સુત્રધાર અને આરોપીઓ રમણભાઈ કરશનભાઈ નાઈ અને તેજલબેન રમણભાઈ નાઈ સહિત અન્ય વહિવટ કરનાર લોકો પોલીસ પકડથી બહાર છે. પોલીસની કામગીરી સામે પણ રોકાણકારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ રાજકીય લાગવગના જોરે ઢીલી તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.