જેના લગ્નમાં કન્યાદાન કર્યું તે દંપતીએ રૂા. 8.83 લાખના દાગીના ઓળવી લીધા
પુજારા પ્લોટમાં રહેતાં વૃદ્ધાની ફરિયાદ દાગીના અગર તો તેની રકમ પરત માંગતા દંપતી અને તેના બે પુત્રોએ જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ, : પુજારા પ્લોટમાં પ્રેસિએસન્સી એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રફુલ્લાબેન હસુભાઈ કોટક (ઉ.વ. 71) પાસેથી વેચવા માટે લીધેલા રૂા. 8.83 લાખના દાગીના શોભનાબા, તેના પતિ કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા અને તેના બે પુત્રો ધનરાજસિંહ, હિરેન્દ્રસિંહ (રહે. આશાપુરાનગર શેરી નં. 16, કોઠારીયા રોડ) ઓળવી ગયાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં પ્રફુલ્લાબેને જણાવ્યું છે કે ત્રીસેક વર્ષ પહેલાં પતિ સાથે કપડા લે-વેચનો ધંધો કરતા હતા. ત્યારે કૃષ્ણસિંહ કપડા લેવા આવતા હોવાથી પરિચય થયો હતો. ત્યાર પછી કૃષ્ણસિંહની સગાઈ શોભનાબા સાથે થઈ હતી. 26 વર્ષ પહેલા બંનેના લગ્ન થયા ત્યારે તેમણે અને પતિએ કન્યાદાન કર્યું હતું.
લગ્નબાદ શોભનાબા ઘરે બેઠા સોના-ચાંદીના દાગીનાનું વેચાણ કરતા હતા. બાદમાં તેમણે પણ કપડાનો ધંધો બંધ કરી દીધો હતો. સાતેક વર્ષ પહેલાં તેમણે સોની વેપારીઓ પાસેથી જાંગડમાં સોના-ચાંદીના દાગીના લઈ વેચવાનું શરૂ કર્યું હતું. શોભનાબા તેમની પાસેથી કયારેક-કયારેક સોના-ચાંદીના દાગીના લઈ જતાં હતા. જેને વેચ્યા બાદ તેના રૂપિયા આપી દેતાં હતા.
2021ની સાલમાં શોભનાબા અને તેના પતિએ તેમની પાસેથી સોનાના દાગીના મંગાવતાં ભદ્રકાળી જવેલર્સના અશ્વિનભાઈ પાસેથી દાગીના લઈ આવ્યા હતા. બીજે દિવસે શોભનાબા અને તેના પતિ રૂા. 13 લાખની કિંમતના સોનાના દાગીના ઉપરાંત તેમણે હાથમાં પહેરેલી બે બંગડી ગ્રાહકોને બતાવવા માટે લઈ ગયા હતા. બે-ત્રણ દિવસ જેવો સમય વીતી જવા છતાં દાગીના પરત આપ્યા ન હતા. અવાર-નવાર સંપર્ક કરવા છતાં દાગીના પરત આપતા ન હતા. બાદમાં દાગીનાઓની રકમ પૈકીના રૂા. 5.11 લાખ કટકે-કટકે આપ્યા હતા. બાકી નીકળતાં રૂા. 8.83 લાખ પરત આપતા ન હતા.
આ સમયગાળા દરમિયાન શોભનાબા અને તેના પતિએ એક સોની વેપારીના દાગીના છેતરપિંડીથી મેળવી લીધા હતા. જે વેપારીએ આપઘાત કરી લેતાં બંને સામે એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં બંને ત્રણેક માસ જેવો સમય જેલમાં રહ્યા હતા. જેલમાંથી છુટયા બાદ બંને ઉપરાંત તેમના બે પુત્રો પાસે સોનાના દાગીના અગર તો રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની અને ઝાપટ ભેગી બત્રીસી બહાર કાઢી નાખવાની ધમકી સાથે ગાળો ભાંડી હતી. જેથી આખરે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.