રાજકોટ ઝૂમાં સિંહ, વાઘ, દીપડાની ખાધાખોરાકીનો ખર્ચ વર્ષે એક કરોડ
નોન વેજ.ખાતા પ્રાણીઓને તંદુરસ્ત રાખવા દર શુક્રવારે ઉપવાસ રૂ।. 162.25ના કિલો લેખે માંસાહારી પ્રાણી-પંખીઓ માટે મટન ખરીદવા દરખાસ્ત: સિંહ-વાઘને રોજ 8, દીપડાને 5 કિલો ખોરાક
રાજકોટ, : રાજકોટમાં મનપા સંચાલિત ઝૂમાં સવા પાંચસો પ્રાણીઓ છે જેને નિહાળવા વર્ષે 7.50 લાખથી વધુ લોકો આવતા હોય છે. આ ઝૂમાં સિંહ,વાઘ,દીપડાં સહિત માંસાહારી પ્રાણીઓનો ખાધાખોરાકીનો ખર્ચ વર્ષે રૂ।.એક કરોડ આવશે અને બે વર્ષના રૂ।૧,૯૯,૫૦,૦૦૦ મંજુર કરવા આવતીકાલે મળનારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરાઈ છે.
મટનના ભાવમાં ગત વર્ષથી ૫ ટકાનો વધારો નોંધાયો છે અને હવે મનપાને રૂ।. 166.25પ્રતિ કિલોના ભાવે અને આગામી વર્ષે તેનાથી 5 ટકા વધુ લેખે પડશે. હાલ રૂ।. 154.35ના ભાવે માંસ સપ્લાય કરવામાં આવે છે અને એ જ એજન્સીનો ભાવ આ વર્ષે ફરી લોએસ્ટ આવ્યાનું જણાવાયુ છે.
વાઘ અને સિંહને રોજ 8 કિલો અને માદાને રોજ 6 કિલો, દીપડાને 5 કિલો અને દીપડીને 4 કિલો ખોરાક રોજ અપાય છે. આ ઉપરાંત વરૂ, શિયાળ, લોમડી અને કેટલાક માંસાહારી પંખીઓને પણ આ ખોરાક પૂરો પડાય છે. માંસાહારી તમામ પ્રાણીઓનું આરોગ્ય જળવાય રહે તે માટે દર શુક્રવારે એટલે કે સપ્તાહમાં એક દિવસ સંપૂર્ણપણે ઉપવાસ કરાવાય છે, એટલે કે પાણી સિવાય કશુ અપાતું નથી. ઝૂના સૂત્રોએ જણાવ્યું કે આના કારણે પાચન મંદ થતું અને રોગ થતા અટકે છે.