ભાજપના વોર્ડ - ૨ ના કોર્પોરેટરે જમીનમાં ગેરકાયદે ઘુસીને તોડફોડ કરી
જમીનમાં કરેલું બાંધકામ પણ તોડી નાંખ્યું : કોર્ટે હુકમ કર્યો હતો કે, જમીનમાં કોર્પોરેશનનો કોઇ હક્ક રહેશે નહીં
વડોદરા,સમા વિસ્તારમાં આવેલી જમીનમાં ગેરકાયદે ઘુસીને ભાજપના કોર્પોરેટર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે જમીન માલિકે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કલાલી વિસેન્ઝા વનકમમાં રહેતા ઉપેન્દ્ર નરહરભાઇ અરગડે કલાલી ખાતે સી.એમ.પ્લાઝામાં કન્સલ્ટન્સીનું કામ કરે છે. સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં તથા મારા મિત્ર આશિષ રમેશભાઇ દૂર્વે તથા સુજીત સતિષભાઇ પ્રધાને વર્ષ - ૨૦૧૬ માં સમા વિસ્તારમાં આવેલી સર્વે નંબર - ૧૭૧ વાળી જગ્યા ખરીદી હતી. આ મિલકતનો દસ્તાવેજ અમારા નામે થઇ ગયો છે.આ જમીનમાં પાડેલા પ્લોટ પૈકી પ્લોટ નંબર ૩૩૪ અને ૩૪૧ રાજેશભાઇ મેકવાનના નામે છે. આ પ્લોટના દસ્તાવેજ થઇ ગયા પછી અમને જાણવા મળ્યું હતું કે,આ પ્લોટમાં વડોદરા મહાનગર પાલિકાનો હક્ક દર્શાવે છે. તે અંગે કોર્ટમાં અમે કેસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે આ જમીન અમારી માલિકીની હોવાનો હુકમ કર્યો હતો કે, આ કામના વાદી (અમને)ને સ્વતંત્ર માલિકી સોંપવામાં આવે છે. પ્રતિવાદીનો કોઇ હક્ક હિસ્સો રહેશે નહીં.આ જગ્યામાં પ્રતિવાદી એટલેકે વડોદરા કોર્પોરેશનને કોઇ પ્રકારનું બાંધકામ કે ઠરાવ કરવાનો રહેશે નહીં. તેવો કાયમી મનાઇ હુકમ સિવિલ કોર્ટે આપ્યો છે.આ મિલકત અમારા નામે હોવાનું નક્કી થઇ જતા તેમાં અમારા ખર્ચે વાયરનું ફેન્સિંગ કરાવી બે ગેટ મૂકાવ્યા હતા. તેમજ પ્લોટ નંબર - ૩૪૧ માં પતરાની પાકી દીવાલની ઓરડી બનાવી છે. ગેટની પાસે એક નોટિસ બોર્ડ પણ લગાવ્યું છે કે, આ મિલકત અમારી માલિકીની છે.
ત્યારબાદ ગત તા. ૨૧ મી ડિસેમ્બરે હું ફેસબૂક જોતો હતો. ત્યારે આ મિલકત કોર્પોરેશનની હોઇ તેના કારણે ઓરડી તોડી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. હું અને મારા બે ભાગીદારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અમે જોયું તો અમારી જમીનમાં લગાડેલા દરવાજા અને ઓરડી જે.સી.બી. વડે તોડી નાંખ્યા હતા. સ્થળ પર કોર્પોરેશનના અથવા તો દબાણ શાખાના કોઇ અધિકારી કે કર્મચારી હાજર મળી આવ્યા નહતા. થોડીવારમાં જ મારા મોબાઇલ પર વોર્ડ નંબર - ૨ ના કોર્પોરેટર ભાણજીભાઇ પટેલ (રહે.રઘુવીર સોસાયટી, ન્યૂ સમા રોડ) નું ઇન્ટરવ્યૂ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આ જગ્યા કોર્પોરેશનની છે.જેમાં મીટર તથા ઓરડી બનાવી હતી. તે તોડી પાડવામાં આવી છે. ભાણજીભાઇ પટેલે અમારી મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરી નુકસાન પહોંચાડયું છે.
ડિમોલીશન પૂરૃં થયા પછી હું ત્યાં પહોંચ્યો હતો ઃ કોર્પોરેટર
વડોદરા, આ અંગે કોર્પોરેટરે જણાવ્યંુ હતું કે, મેં ગત માર્ચ મહિનામાં મેં કોર્પોરેશનમાં આ પ્લોટ અંગે રજૂઆત કરી હતી કે, આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો હોય તો આપણે લઇ લેવો જોઇએ અને જો સામાવાળાની માલિકીનો હોય તો તેઓને આપી દેવો જોઇએ. તે દિવસે કોર્પોરેશનના સ્ટાફે આવીને ડિમોલીશન કર્યુ હતું. ડિમોલીશન પૂરૃં થઇ ગયા પછી હું ત્યાં પહોંચ્યો હતો. મારે તોડફોડ સાથે કોઇ લેવા દેવા નથી. તોડફોડ કોર્પોરેશને કરી છે. ફરિયાદ કોર્પોરેશન સામે થવી જોઇએ. મારી સામે કેમ ફરિયાદ થઇ ? તે મને સમજાતું નથી. મેં ડિમોલીશન કરાવ્યું નથી.