આપમાંથી ભાજપમાં જોડાયેલા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય મુંઝવણમાં મુકાઈ ગયા
ભાજપના જ નેતાએ કરેલી પિટિશન ચૂંટણીમાં નડી દર વખતે ચૂંટણી સમયે નવા-જૂની કરવા માટે જાણીતા વિસાવદરની બેઠકનું કોકડું ગુંચવાયું
જૂનાગઢ, : વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર ન થતા આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભારે વિટંબણામાં મુકાઈ ગયા છે, કેમ કે જ્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે આપના ભૂપત ભાયાણી વિજેતા થયા હતા. તેની સામે ભાજપના પરાજીત ઉમેદવાર હર્ષદ રિબડીયાએ પરિણામને પડકારતી હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. હવે ભાયાણી પણ ભાજપમાં જ જોડાઈ જતા ભાજપના જ નેતા તેમને આડખીલીરૂપ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
પક્ષ પલ્ટાની મોસમ શરૂ થઈ ત્યારે સૌથી પહેલા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ ધીમે-ધીમે અન્ય પાંચ ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દીધા હતા. જે ધારાસભ્યએ રાજીનામા આપ્યા હતા તેની બેઠકો ખાલી પડતા ત્યાંની વિધાનસભાની પેટા ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, જ્યારે સૌથી પહેલા જેણે રાજીનામું આપ્યું તે વિસાવદર બેઠકની જ પેટા ચૂંટણી જાહેર ન થતા ભાજપમાં જોડાયેલા આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વિધામાં મુકાયા છે.
વિસાવદર બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર તરીકે ભાયાણી પોતે જ લડવાના હતા તેવા દાવા સાથે રાજીનામું દીધા બાદ જ તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. હવે તેની જેમ રાજીનામું દેનાર અન્ય ધારાસભ્યોની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ પરંતુ ભાયાણી પોતે ચૂંટણી લડયા વગરના રહી જાય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.
વિસાવદર દર વખતે ચૂંટણી સમયે કંઈક નવું કરવાની ટેવ ધરાવે છે. આ વખતે પણ નવું થયું જેમાં આખા દેશની લોકસભાની સાથે અન્ય વિધાનસભાઓ અને ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ જાહેર થઈ પરંતુ વિસાવદરની ચૂંટણી જાહેર ન થતા સમગ્ર વિસાવદર વિધાનસભા વિસ્તારના મતદારો પણ અચંબામાં પડી ગયા છે. સમગ્ર પંથકમાં એક જ વાત ચાલી રહી છે કે, દર વખતની જેમ આ વખતે પણ આખા દેશથી વિસાવદરનું વધુ એકવાર અલગ થયું અને ચૂંટણી જ ન જાહેર થઈ.
ભાયાણી આપમાંથી વિજેતા થયા ત્યારે તેમની સામે ભાજપના પરાજીત ઉમેદવાર રિબડીયાએ પીટીશન કરી હતી. હવે બંને એક જ પક્ષમાં ભેગા થઈ ગયા છે ત્યારે પક્ષ લેવલે કેવો રસ્તો અપનાવવામાં આવે છે તેના પર રાજકીય તજજ્ઞાો અનેક અટકળો કરી રહ્યા છે.