બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ ભાસી : મોડી સાંજે ઉકળાટનો અનુભવ
- સુરેન્દ્રનગર શહેરમાં ચૈત્રી દનૈયા તપ્યા, ગરમીનો પારો ૪૪ ડિગ્રી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં ચૈત્રી દનૈયા શરૂ થતાં દિવસે આકાશમાંથી આકરો તાપ વરસતા શહેરીજનો કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયા હતા. બપોરે દાહક ગરમીના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જ્યારે પંખામાંથી પણ ગરમ હવા ફેંકાતા બપોરનો સમય પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. બપોરના આકરા તાપના કારણે મોડી સાંજે પણ ઉકળાટનો અનુભવ થયો હતો. ગરીમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો અંદાજે ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન તેમજ પશુ-પક્ષીઓ પર તેની અસર જોવા મળી રહી છે તેમજ અસહ્ય ગરમીના કારણે શહેરની બજારોમાં બપોર બાદ લોકોની અવર-જવર નહિંવત જોવા મળી હતી અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં હતાં. તેમજ ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડાપીણા, જ્યુસ વગેરે પીતા નજરે પડયા હતા જ્યારે બીજી બાજુ હિટવેવની આગાહીને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત કરી બીનજરૂરી ગરમીમાં બપોરના સમયે બહાર નહિં નીકળવા, વધુ પાણી પીવા અને કોટન તેમજ શરીર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની અપીલ કરી હતી અને સામાન્ય હિટવેવની પણ અસર જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા તાકીદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં શરૂઆતમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ ફરી સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રસ્ત બન્યા છે.