ઓનલાઇન ઠગોની બદલાતી તરકિબઃ ડિલિવરી બોયની OTP માટે રકઝક..એલઆઇસી એજન્ટને પુત્રના નામે ધમકી
Online Fraud in Vadodara: શહેરમાં ઓનલાઇન ઠગાઇના અવનવી તરકિબોના કિસ્સા બની રહ્યા છે ત્યારે અકોટા વિસ્તારમાં એક બંગલામાં સતત બે દિવસ આવી પાર્સલ લેવા માટે જબરદસ્તી કરનાર ડિલિવરી બોય સાથે દંપતીની રકઝકના કિસ્સાએ શંકાના વમળો સર્જ્યા છે.જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
અકોટાના સામ્રાજ્ય બંગ્લોઝમાં રહેતા એક શિક્ષિત દંપતીને ત્યાં બપોરના સમયે એક ડિલિવરી બોય પાર્સલ આપવા માટે આવે છે.આ બંગલામાં મહિલા એકલી હોવાથી તેણે પાર્સલ લેવાનો ઇનકાર કર્યો હતો. ડિલિવરી બોયે પાર્સલમાં ક્રીમ હોવાનું કહ્યું હતું.પરંતુ મહિલાએ પાર્સલ લીધું નહતું.
બીજા દિવસે ફરીથી બીજો ડિલિવરી બોય આવ્યો હતો અને બીજું પાર્સલ આપ્યું હતું.આ વખતે મહિલાના પતિ પણ હાજર હતા.ડિલિવરી બોયે તેમનું નામ પૂછતાં નામ આપવાનો ઇનકાર કર્યો હતો.ડિલિવરી બોયે પાર્સલમાં વોચ છે તેમ કહી ઓટીપી નો આગ્રહ રાખ્યો હતો.પરંતુ દંપતીએ અમે કોઇ પણ ચીજ મંગાવી જ નથી કે અમારા સગા- સબંધીઓએ પણ કોઇ ચીજ મોકલી નથી તો પાર્સલ કેમ લઇએ તેમ કહ્યું હતું.
આખરે ડિલિવરી બોયે અમદાવાદમાં કોઇ વ્યક્તિ સાથે વાત પણ કરાવી હતી.દંપતીએ પોલીસને બોલાવવાનું કહેતાં બોય ચાલ્યો ગયો હતો.
એલઆઇસી એજન્ટને કોલ આવ્યો તમારો પુત્ર મારી પુત્રીને પજવણી કરે છે,મેસેજો જોવા લિન્ક ખોલી વીડિયો કોલ કરો
ઓનલાઇન ઠગો દ્વારા જુદી જુદી રીતે ધમકાવીને વીડિયો કોલ કરાવી ફંડ ટ્રાન્સફર કરાવી લેવાના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે ત્યારે એક એલઆઇસી એજન્ટની સતર્કતાને કારણે ઠગો ફાવ્યા નહિ હોવાનો એક કિસ્સો બન્યો છે.
વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતા એલઆઇસી એજન્ટ પર બે દિવસ પહેલાં કોલ આવ્યો હતો.ફોન કરનારે તેમની પત્ની અને પુત્ર ને પણ કોલ કર્યા હતા.તેણે વોટ્સએપ કોલ કરી તમારો પુત્ર એક યુવતીને મેસેજો મોકલી પરેશાન કરી રહ્યો છે.મેસેજોની લિન્ક મોકલું છું તે ઓપન કરી મને તાત્કાલિક વીડિયો કોલ કરજો તેમ કહ્યું હતું.
એજન્ટનો પુત્ર સોશ્યલ મીડિયાનો ઉપયોગ નહિ કરતો હોવાથી અને તે વિદેશ હોવાથી કોલ કરનાર પર શંકા ગઇ હતી.તેમણે ગભરાયા વગર કોઇ પ્રતિસાદ આપ્યો નહતો અને કોલ પણ કર્યો નહતો.જેથી ઠગ સમજી ગયો હતો અને તેને બીજા પ્રયત્ન પડતા મૂકી દીધા હતા.