પ્રેમગીરીની ચાદરવિધિઃ શિષ્યો અને પરિવારની આત્મવિલોપનની ચીમકી
આવકવાળી જગ્યા પ્રત્યે સંસારીઓને શરમાવે તેવો સાધુઓનો મોહ : તનસુખગીરીના ખાસ શિષ્યો અને નાના પીરના પરિવારજનોએ માથા પછાડયાં, મહિલાઓએ છાતી કૂટી : ભગવાની ભાંજગડ, જગ્યા પચાવી પાડવા માટે હરિગીરી સહિતના સંતો દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ
જૂનાગઢ, : જૂનાગઢમાં અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારીનો વિવાદ ચરમસીમાએ છે. આજે ભવનાથના મહંત હરિગીરીના જૂથ દ્વારા ભીડભંજન ખાતે પ્રેમગીરીની ગાદીપતિ તરીકે જાહેરાત કરી બાદમાં તેની ચાદરવિધિ કરી નાખવામાં આવી હતી. આ ચાદરવિધિ સમયે તનસુખગીરીના શિષ્યો દ્વારા મોટો હોબાળો કરી ચાદરવિધિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોઈપણ ભોગે પ્રેમગીરી મહંત તરીકે માન્ય ન હોવાની માંગ સાથે હોબાળો કરી તેમને વિશ્વાસમાં લઈ પરંપરા મુજબ અન્યને મહંત બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ અંગે મામલો ગરમાતા પોલીસને દોડધામ થઈ ગઈ હતી.
મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા આજે તેમની ધુળલોટ વિધી હતી તે વિધી 11 વાગ્યાના હતી. આ કાર્યક્રમમાં કોઈ સંતો સમયસર પહોંચી શક્યા નહી અને ભીડભંજન જગ્યાની નજીક અખાડામાં સાધુ-સંતોની આગામી મહંત કોણ ? તે અંગેની બેઠકનો દોર ચાલતો હતો. બાદમાં ભવનાથના મહંત હરીગીરી, ઈન્દ્રભારથી સહિતના સંતો ભીડભંજન ખાતે પહોંચ્યા અને ધુળલોટ વિધી સમયે તનસુખગીરીના ઉતરાધારી તરીકે પ્રેમગીરીની જાહેરાત કરતા તનસુખગીરીના ખાસ શિષ્યો અને નાના પીરના સંતાનોએ તથા મહિલાઓએ ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો હતો. આ વિરોધ વચ્ચે થોડીવાર બાદ સંતોના નીતિનિયમો મુજબ પ્રેમગીરીની ચાદરવિધી શરૂ કરતા શિષ્યોએ શોરબકોર સાથે હરીગીરી હાય હાય, પ્રેમગીરી હાય હાયના ઉગ્ર નારા લગાવી કોઈપણ ભોગે આ વાત મંજુર ન હોવાથી વિરોધ કરી રહ્યા હતા. તનસુખગીરીના ખાસ શિષ્યોએ અને નાના પીરના પરિવારજનોએ જો પ્રેમગીરીને મહંત તરીકે ધરારથી રાખવામાં આવશે તો સમગ્ર પરિવાર આત્મવિલોપન કરી જવાની ચિમકી આપી માથા પછાડી મહિલાઓએ છાતી કુટી હતી.
નવા મહંતની ચાદરવિધી અને બ્રહ્મલીન મહંતની ધુળલોટ વિધી સમયે ઉગ્ર વિરોધ અને વાતાવરણ ગરમ થઈ જતા તાત્કાલીક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે આવેલી પોલીસે માત્ર તમાશો જોયો હતો. તનસુખગીરીના શિષ્યો અને નાના પીરના પરિવારજનો પોલીસ પાસે ન્યાય અંગે રજુઆત કરી રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીએ આ અંગે કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવશે, અમો કંઈ કરી શકીએ નહી તેવું કહી હાથ ઉંચા કરી લીધા હતા. હરીગીરી, ઈન્દ્રભારથી સહિતના સંતો દ્વારા પ્રેમગીરીની ચાદરવિધી સહિતનો કાર્યક્રમ પૂર્ણ કરી ઉગ્ર વિરોધ વચ્ચે ત્યાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે ચાદરવિધીનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે વિરોધ કરી રહેલા જુથ દ્વારા ભૂતનાથના મહંત મહેશગીરીની મદદ માંગી ન્યાય અપાવવા માંગણી કરી હતી. આ વિધીને બ્રહ્મલીન મહંતના ખાસ શિષ્ય અને નાના પીરના પરિવારજનોએ ગેરકાયદેસર ગણાવી અમારી જગ્યાને પચાવી પાડવા હરીગીરી સહિતના સંતોનું આ કૃત્ય છે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવતા હતા.