કેન્દ્ર સરકાર કાશ્મીરને હસ્તગત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરેઃ શંકરાચાર્ય
પહેલગામની ઘટના મુદ્દે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદન 'ધર્મનો આશરો લઈને જ વિશેષધર્મના લોકોની હત્યા કરી, એ નિંદનીય છે, ને પુરવાર થયું કે, આતંકવાદમાં ચોક્કસ ધર્મના લોકો જ સંડોવાયેલા છે' 'ભારત જેવા દેશમાં ધર્મવિશેષ લોકોને મારવામાં આવે એ ચિંતાની વાત, મુસ્લિમોએ આતંકવાદ સામે બોલીને ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ', એવો મત વ્યક્ત કર્યો
દ્વારકા, : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત તા. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પહલગામની ઘટનાને લઈને આક્રોશ સાથે દુઃખ વ્યક્ત કર્યું છે. આતંકી હુમલાને લઈને 'કેન્દ્ર સરકાર કાશ્મીરને પોતાના હસ્તક લઈને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે..' તેવું તેમણે નિવેદન આપ્યું છે.
પહલગામ આતંકી હુમલાની ઘટનાને તેમણે સખત શબ્દોમાં વખોડીને કહ્યું કે, 'ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે ચિંતાની વાત છે કે ધર્મવિશેષ લોકોને પૂછી પૂછીને મારવામાં આવે. દેશના લોકોને એકતા બતાવી આતંકવાદને મુહતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. મુસ્લિમ ધર્મના લોકો પાસે અપેક્ષા છે કે તેમણે આતંકવાદ વિરૂદ્ધ બોલીને ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. પહેલગામની દુઃખદ ઘટનાથી એ સમજમાં આવી ચૂક્યું છે કે જે લોકો કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ હવે સિદ્ધ થઈ ગયું કે આતંકવાદમાં ચોક્કસ ધર્મના લોકો જ સંડોવાયેલા છે.'
વધુમાં તેમણે કહ્યું કે, 'ધર્મ શબ્દનો અર્થ ન જાણવાના કારણે આતંકવાદને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે. આતંકવાદીઓનું તો એ જ કર્તવ્ય છે કે હત્યા કરો. ત્રેતાયુગમાં રાવણનું એ કર્તવ્ય હતું, દ્વાપરમાં કંસનો એ ધર્મ હતો. કળિયુગમાં આ આતંકીઓ રાવણ અને કંસના રૂપમાં ઉત્પન્ન થઈ આપણી રાષ્ટ્રીયતા પર હુમલો કરે છે. એકતાની આવશ્યક્તા છે. આજે આપણા દેશની ત્રણેય સેના એટલી મજબૂત છે કે આમને-સામને યુદ્ધ કરવાની તેમનામાં હિંમત નથી. ભારતને નિર્બળ કરવા માટે આતંકવાદનો આશરો લઈને વિદેશી ષડયંત્રકારો આ પ્રકારના કૃત્ય કરે છે. સમજવું જરૂરી છે કે આપણી એકતા જ તેનો ઉત્તર છે. તમામ હિન્દુઓએ પક્ષાપક્ષીથી પર ઊઠવું જોઈએ એ જ તેનો મુહતોડ જવાબ હશે.'