આજે ઈવીએમના પટારામાંથી ઉમેદવારોનું નસીબ ખુલશે, 5 સેન્ટર પર મતગણતરી
- સવારે 9 કલાકથી કાઉન્ટીંગ, બપોર સુધીમાં મોટાભાગની બેઠકોના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થશે
- ભાવનગર જિલ્લાની 3 અને બોટાદ જિલ્લાની બે નગરપાલિકા, 4 તાલુકા પંચાયતની 6, ભાવનગર મનપાની એક અને બોટાદ જિ.પં.ની એક બેઠક માટે મતગણતરી થશે, ઓછા મતદાન સાથે નોટાના વોટ પણ ધાર્યા પરિણામને બદલી શકે
ભાવનગર જિલ્લામાં તળાજાને બાદ કરતા લગભગ તમામ સ્થળોએ ગઈકાલે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. સિહોર, ગારિયાધાર અને તળાજા મળી ત્રણેય નગરપાલિકામાં ૯૨ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ૫૮.૯૫ ટકા મતદાન થયું હતું. જે ગત ચૂંટણીની સમકક્ષ થાય છે, હવે આવતીકાલે તા.૧૮-૨ને મંગળવારે સવારે ૯ કલાકથી પાંચ કાઉન્ટીંગ સેન્ટર પર એક સાથે મતગણતરી શરૂ થશે. આ માટે ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. સ્ટ્રોગરૂમમાં રાખેલા ઈવીએમની સુરક્ષા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા માટે સલામતી અધિકારીઓએ કોર્ડન કરેલા વિસ્તારમાં કાલે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમાં ઉમેદવારો, એજન્ટો અને મતગણતરી ફરજમાં રહેલા અધિકારી-કર્મચારીઓ સિવાયના અસામાજિક/અનઅધિકૃત તત્ત્વો અને ટોળાને પ્રવેશ-એકઠા ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તે માટે મતગણતરી પૂરી થાય ત્યાં સુધી કોર્ડન કરાયેલા પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, સિહોર, તળાજા અને ગારિયાધાર પાલિકામાં ગત ટર્મ ભાજપનું શાસન રહ્યું હતું. જ્યારે તળાજા તાલુકા પંચાયતની ઉંચડી, નવા-જૂના રાજપરા, ભાવનગર (ગ્રામ્ય) તા.પં.ની લાખણકા, સિહોર તા.પં.ની વળાવડ બેઠક અને ભાવનગર મનપાના વોર્ડ નં.૩ની બેઠક પર ભાજપનો કબજો હતો. એક માત્ર સિહોર તા.પં.ની સોનગઢ સીટ કોંગ્રેસ પાસે હતી. ત્યારે ત્રણેય ન.પા. તેમજ તા.પં., મનપાની ખાલી પડેલી બેઠકોમાં ભાજપ ફરી ભગવો લહેરાવી શકશે કે પછી મતદારો સત્તા પરીવર્તનના મૂડમાં છે ? તેની ઉત્સુકતાનો અંત મતગણતરીના આંકડાઓ સાથે આવતો જશે. છ બેઠકની પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે. જે રાજકીય ગણિતને ઉંધુ પાડી શકે તેમ છે. તેની સાથે નોટામાં પડેલા વોટ પણ ધાર્યા પરિણામને બદલે તો નવાઈ નહીં.
આ ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ આવતીકાલે તા.૧૮-૨ને મંગળવારે સવારે ૯ કલાકથી બોટાદ ન.પા.ની મધ્યસત્ર, બોટાદ જિલ્લા પંચાયતની પાળિયાદ, રાણપુર તા.પં.ની માલણપુર બેઠક પર પેટા ચૂંટણી અને ગઢડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતગણતરી કરવામાં આવશે. જ્યારે ધંધુકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની કીકાણી કોલેજમાં મતગણના કરવામાં આવશે. આ માટે ચૂંટણી તંત્રે તૈયારીઓ પૂરી કરી લીધી છે.
ભાવનગર જિલ્લામાં આ કાઉન્ટીંગ સેન્ટરો પર મતગણતરી થશે
મનપાના વોર્ડ નં.૩ની એક બેઠકની ચૂંટણીની મતગણતરી એમીનીટી બિલ્ડીંગ, રૂમ નં.૩૦૩, સરકારી ઈજનેરી કોલેજ, વિદ્યાનગર, ભાવનગર ખાતે થશે. તળાજા પાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની બે બેઠકનું કાઉન્ટીંગ તળાજાની સરકારી વિનયન કોલેજમાં કરાશે. સિહોર ન.પા.ની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની બે બેઠકની મતગણતરી એલ.ડી. મુની હાઈસ્કૂલ, સિહોરમાં થશે. જ્યારે ભાવનગર (ગ્રામ્ય) તાલુકા પંચાયતની લાખણકા સીટનું વોટ કાઉન્ટીંગ ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના મિટીંગ હોલમાં સવારે ૯ કલાકથી શરૂ કરવામાં આવશે.