મંત્રેશ કોમ્પ્લેક્ષથી રવેચી તળાવ સુધીનો ખખડધજ રોડ હવે ફોર લેન બનશે
- ખરાબ રોડના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા
- સુભાષનગરમાં પીએચસી અને ડ્રેનેજ અપ ગ્રેડેશનના કામો હાથ ધરાશે
મહાપાલિકા દ્વારા આજે કુલ રૂ. ૨૩.૧૯ કરોડના ખર્ચે થનાર ૩ કામોનું શહેરના રીંગ રોડ પર મુખ્યમંત્રી આવાસ પાસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ, જેમાં ઘોઘા સર્કલ અકવાડા વોર્ડમાં સરકારની સ્વણમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંત્રેશ કોમ્પલેક્ષ થી રવેચી તળાવ સુધી ૧૪૦૦ મીટર લંબાઈ સાથે ફોર લેન પીકયુસી (પેવેમન્ટ ક્વોલિટી કોંક્રિટ) રોડનું રૂા.૧૧૨૬ લાખના ખર્ચે નિર્માણ થશે. જેમા ફોર લેન રોડ, સેન્ટ્રલ ડીવાઇડર, સાઈન બોર્ડ, થર્મેપ્લાસ્ટ પટ્ટા અને કેટ-આઇનું કામ થશે. રીંગ રોડના નિર્માણ થકી કનેક્ટિવિટીમાં વધારો થશે તથા બંદર રોડ અને એરપોર્ટ રોડને સીધી કનેક્ટિવિટી મળશે. ઉલેલેખનિય છે કે, આ રોડ ખુબ જ ખરાબ હતો છતા આર એન્ડ બીનુ તંત્ર બનાવતુ ન હતુ તેથી મહાપાલિકાએ આ કામની મંજૂરી મેળવી કામ હાથમાં લીધુ છે.
ઉપરાંત શહેરના ઘોઘા સર્કલ અકવાડા વોર્ડમાં હેલ્થ વિભાગની ગ્રાન્ટ હેઠળ સુભાષનગર વિસ્તારમાં પ્રાઈમરી હેલ્થ સેન્ટર (પીએચસી) નું રૂ. ૨૬૨ લાખના ખર્ચે નિર્માણ થશે. જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ઓ.પી. ડી., ડિસ્પેન્સરી, સર્જન રૂમ, કોન્ફરન્સ રૂમ, લેબોરેટરી, પોસ્ટ ઓપરેશન રૂમ અને અન્ય સુવિધા સાથે સી.સી.ટી.વી. અને ફાયર સિસ્ટમ સુવિધાઓ હશે.અને તે કાર્યરત થતાં આસપાસના ૬૦ હજાર લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહેશે. મહાનગરપાલિકા ના પૂર્વ વિસ્તારમાં રૂ.૯.૨૩ કરોડ ના ખર્ચે ડ્રેનેજ અપગ્રેડેશન કરાશે. જેના થી અંદાજિત ૫૦ હજાર લોકો ની સુવિધામાં વધારો થશે આ કામમાં ૩૦૦ મી.મી. થી ૧૨૦૦ મી.મી સુધી ની લાઈનોના કામો અંદાજિત ૭૫૦૦ મીટરની લંબાઈનું કામ થનાર છે તેમ મહાપાલિકાએ દાવો કરતા જણાવ્યું હતું.