ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 19મી ફેબ્રુઆરીથી શરુ થશે, 20મીએ બજેટ રજૂ કારશે
Gujarat Budget Session: ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આગામી મહિનામાં યોજાશે. જે 19મી ફેબ્રુઆરીથી શરુ થશે અને 28મી માર્ચ સુધી ચાલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આ સત્રમાં જંત્રીના દરમાં રાહત મળી તેવી સંભાવના છે. તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવતી હોવાથી સરકાર કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો પણ લઈ શકે છે. સાથે જ લોકોને કેટલીક રાહતો પણ આપી શકે છે. ખેડૂતલક્ષી મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચા છે. બજેટ સત્રની તારીખનો હુકમ રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યો છે. 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટસત્રની શરુઆત થશે.
આગામી વર્ષ માટેની નાણાકીય યોજનાઓ-વિકાસની રૂપરેખા આપશે સરકાર
આ મહત્ત્વપૂર્ણ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ રાજ્ય બજેટ રજૂ કરશે, જેમાં આગામી વર્ષ માટે સરકારની નાણાકીય યોજનાઓ અને વિકાસ પહેલની રૂપરેખા આપવામાં આવશે. સત્રની શરુઆત રાજ્ય બજેટ રજૂ કરવા સાથે થશે, જેમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રો માટે મુખ્ય ફાળવણીઓ જાહેર થવાની અપેક્ષા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારની કામગીરીની ચકાસણી કરશે, બેરોજગારી અને ખ્યાતિ હૉસ્પિટલના કૌભાંડ જેવા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરશે તેવી અપેક્ષા છે.
31 જાન્યુઆરી સંસદનું બજેટ સત્ર-1 ફેબ્રુઆરી કેન્દ્રીય બજેટ
મહત્ત્વનું છે કે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરુ થવાનું છે, જે ચાર એપ્રિલ સુધી ચાલશે. જ્યારે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.