ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની તારીખ જાહેર, રાજ્ય સરકાર ફેબ્રુઆરીમાં બજેટ કરશે રજૂ
ગુજરાત વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે: શંકર ચૌધરી
બજેટ સત્ર 1થી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે
Budget Session of Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની તારીખ જાહેર થઈ ચુકી છે. આ સત્ર પહેલી ફેબ્રુઆરી શરૂ થઈને 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.
ચાર દિવસ બજેટ પર ચર્ચાઓ થશે
ગુજરાત વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, આગામી પહેલી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. આ સત્રમાં બીજી ફેબ્રુઆરીએ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે અને 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે.
સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે: શંકર ચૌધરી
શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે.