Get The App

એસી ચાલુ કરવા કહેતા BRTSના ચાલકે મળતીયા સાથે મુસાફરને મારી બેભાન કર્યો

મ્યુનિ.ની બસ સેવાનો વધુ એક વિવાદ

Updated: Jul 16th, 2023


Google News
Google News
એસી ચાલુ કરવા કહેતા BRTSના ચાલકે મળતીયા સાથે મુસાફરને મારી બેભાન કર્યો 1 - image


ઉધના દરવાજા ખાતે ચાલકે મળતીયાઓને બોલાવી ગુંડાગર્દી કરી મારામારીમાં ચાલકનું પણ માથું ફૂટયુ ઃ મ્યુનિ.ના તપાસના આદેશ

સુરત,

સુરત મહાનગરપાલિકાની પરિવહન સેવા વધુ એક વાર વિવાદમાં આવી છે. ઉધના દરવાજા ખાતે બીઆરટીએસ બસમાં એસી ચાલુ કરવાના મુદ્દે ડ્રાઈવર સાથે મુસાફરની રકઝક થયા બાદ ડ્રાઈવર અને મળતીયાઓએ મુસાફરને માર મારીને બેભાન કરી દીધો હતો. તો બીજી તરફ મુસાફરે પણ માર મરાતા ડ્રાઈવરનું માથું ફૂટયું હતુ. બંને પક્ષે પોલીસ ફરિયાદ આપતા મ્યુનિ.એ સમગ્ર ઘટના અંગે તપાસ કરવા સૂચના આપી છે.

સુરતના અમરોલીથી ઉધના દરવાજા વચ્ચે દોડતી બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા વિપુલ પટેલને એસી બંધ હોવાથી સફોકેશન થતું હતુ. બસમાં મુસાફરો પણ વધુ હોવાથી વિપુલે એસી ચાલુ કરવા અથવા એસી ફુલ કરવા ડ્રાઈવર ભૂષણ પાટીલને કહ્યું હતુ. જેથી ગુસ્સે થયેલા ડ્રાઇવર ભૂષણ પાટીલે વિપુલ સાથે ઝઘડો કરી ન ફાવે તો રીક્ષામાં જતા રહો, આ બસમાં આવું જ રહેશે તેમ કહેતા મુસાફર પણ અકળાયો હતો. ઉધના દરવાજા ખાતે આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં અકળાયેલા ડ્રાઈવરે ઉધના સ્ટેશન પર પોતાના મળતીયા બોલાવી લીધા હતા. અને લાકડાના ફટકા વડે  મુસાફર વિપુલને માર માર્ય હતો. જેમાં તેનું માથું ફૂટી જતા તે બેભાન થઈ ગયો હતો. આ મારામારીમાં બસના ડ્રાઇવર ભૂષણ પાટીલને પણ માર મારવામાં આવ્યો હોય તેનું પણ માથું ફુટી ગયું હતુ. બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં મુસાફર વિપુલને માથામાં 14 ટાંકા લેવા પડયા હતા. તો ડ્રાઇવરના માથામાં પણ ટાંકા લેવા પડયા હતા.

બસ ડ્રાઈવરની આવી દાદાગીરી સામે વિપુલ અને તેના પરિવારજનો પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. વિપુલના જણાવ્યા મુજબ બસ ડ્રાઈવરની આવી ગુંડાગર્દી સામે કડક પગલાં ભરવા જોઈએ. બસ ડ્રાઇવરે પણ પોલીસમાં અરજી કરતા કારણે બંને પક્ષે સામ-સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

આ અંગે મ્યુનિ. તંત્રએ જણાવ્યું કે, સામ-સામે મારામારીની ઘટના બની છે. મુસાફર અને ડ્રાઈવર બંને ઈજાગ્રસ્ત છે. આવા સંજોગોમાં પોલીસ ફરિયાદ તથા સમગ્ર ઘટનાની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં તપાસ થયા બાદ જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે. 

Tags :