અડાજણના હનીપાર્ક રોડના એસએમસી આવાસની ઘટના: માતાને ભગાડી જનાર પ્રેમીના ભાઇને સમાધાનના બહાને બોલાવી માર મારતા મોત

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
અડાજણના હનીપાર્ક રોડના એસએમસી આવાસની ઘટના: માતાને ભગાડી જનાર પ્રેમીના ભાઇને સમાધાનના બહાને બોલાવી માર મારતા મોત 1 - image



- સુરેન્દ્રનગર લીંબડીથી આવેલા પ્રેમીના ભાઇ પાસે પ્રેમિકાના બે પુત્રએ પેનેલ્ટી પેટે રૂ. 5 લાખ માંગ્યાઃ રકમ મોટી છે એમ કહેતા અપહરણ કરી બેરહમી પૂર્વક માર માર્યો
- બે પુત્રની માતાને દસ મહિના અગાઉ ભગાડી જઇ સાત મહિના બાદ તરછોડી દીધી હતી


સુરત

અડાજણના હનીપાર્ક વિસ્તારમાં એસએમસી આવાસમાં રહેતી પરિણીતાને ભગાડી ગયા બાદ તરછોડી દેનાર પ્રેમીના ભાઇને સમાધાન કરવાના બહાને સુરેન્દ્રનગર લીંબડીથી બોલાવી રૂ. 5 લાખની માંગણી કરતા થયેલા ઝઘડામાં અપહરણ કરી કેનાલ રોડ ઉપર લઇ જઇ ઢીક-મુક્કી ઉપરાંત ફટકા વડે બેરહમી પૂર્વક માર મારતા મોત થતા અડાજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાર હત્યારાને ડિટેઇન કર્યા છે.

અડાજણના હનીપાર્ક રોડના એસએમસી આવાસની ઘટના: માતાને ભગાડી જનાર પ્રેમીના ભાઇને સમાધાનના બહાને બોલાવી માર મારતા મોત 2 - image
અડાજણના હનીપાર્ક ચાર રસ્તા નજીક નાઇન સ્કેવરની પાછળ એસએમસી આવાસમાં રહેતી બે સંતાનની માતા સાથે પ્રેમસંબંધ ધરાવતો દિપક કાળુભાઇ દેવીપૂજક (ઉ.વ. 42 મૂળ રહે. લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર) દસેક મહિના અગાઉ ભગાડી ગયો હતો. સાત-આઠ મહિના બંને સાથે રહ્યા બાદ દિપકે બે સંતાનની માતાને તરછોડી દીધી હતી. જેથી બે સંતાનની માતાની હાલત કફોડી થઇ હતી અને તેના બે પુત્ર રવિ રાજુ સુરેલા તથા ભુરીયા રાજુ સુરેલાનો દિપકના પરિવાર વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. દિપકને તેની પ્રેમિકાના બે પુત્ર મારશે તેવા ડરથી ભુગર્ભમાં ઉતરી ગયો હતો અને તે હાલમાં કયાં છે તેનાથી પરિવાર પણ અજાણ છે. દરમિયાનમાં રવિ અને ભૂરીયાએ માતાના કથિત પ્રેમી દિપકના મોટા ભાઇ જયંતિ કાળુભાઇ દેવીપૂજક (ઉ.વ. 44 રહે. લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર) ને ગત રોજ સમાધાન માટે બોલાવ્યો હતો. જયંતિ સમાધાન માટે નાના ભાઇ દિપકની પ્રેમિકાના અડાજણના નાઇન સ્કેવરની પાછળ એસએમસી આવાસના રહેણાંક ખાતે ગયો હતો. જયાં દિપકની પ્રેમિકાના બે પુત્ર રવિ તથા ભુરીયાએ સામાજીક રીતે સમાધાનની વાત કર્યા બાદ પેનલ્ટી પેટે રૂ. 5 લાખની માંગણી કરી હતી. પરંતુ જયંતિએ આ રકમ બહુ મોટી છે વિચારીને કહીશ એમ કહેતા તેને આવાસની બહાર લઇ જઇ ત્યાંથી અપહરણ કરી પાલનપુર કેનાલ રોડ ઉપર લઇ જઇ ઢીક-મુક્કી તથા લાકડાના ફટકા માર્યા હતા અને ત્યાંથી પરત લઇ આવી આવાસ પાસે છોડી દીધો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં જયંતિને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવતા તેનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું.


Google NewsGoogle News