કોંગ્રેસના મહિલા કાર્યકરનો ભાઈ અને ભત્રીજી જ દેશી દારૂ સાથે પકડાયા
- જેતપુરમાં દારૂના ખુલ્લેઆમ હાટડા અંગે રજુઆત કરનાર
- પોલીસની કાર્યવાહીને કારણે જેતપુરમાં દારૂ સામે કોંગ્રેસે શરૂ કરેલી ઝુંબેશને ફટકો
દારૂ હાટડા અંગે આગેવાની લઈ રેલી કાઢનાર જેતપુરના મહિલા કોંગી કાર્યકરના સંબંધીઓ જ આજે દેશી દારૂ સાથે પકડાયા
રાજકોટ, : જેતપુરમાં પોલીસની મીઠી નજર હેઠળ દેશી અને અંગ્રેજી દારૂના હાટડા ખુલ્લેઆમ ધમધમતા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના મહિલા કાર્યકરોએ રેલી કાઢી એએસપીને આવેદનપત્ર આપ્યું હતું જેના પગલે ઉંઘમાંથી સફાળી જાગેલી કે જાગવાનું નાટક કરનાર સ્થાનિક પોલીસે આજે દેશી દારૂના અડ્ડાઓ ઉપર ધોસ બોલાવી હતી. જેમાં છ રેઈડો સફળ રહી હતી. પરંતુ પોલીસે આજે દાવો કર્યો હતો કે દારૂ હાટડા અંગે આગેવાની લઈ રેલી કાઢનાર જેતપુરના મહિલા કોંગી કાર્યકરના સંબંધીઓ જ આજે દેશી દારૂ સાથે પકડાયા છે.
જેને કારણે કોંગ્રેસે દારૂના હાટડા અંગે શરૂ કરેલી ઝુંબેશને ફટકો પડયો છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે આજે જેતપુરમાં જયાં જયાં દારૂ વેચાતા હોવાના આક્ષેપો થયા હતા તે તમામ સ્થળ રેઈડો કરવામાં આવી હતી. જે દરમ્યાન છ રેઈડો સફળ રહી હતી. જેમાં ૯૦ લીટર દેશી દારૂ, ૧૦પ લીટર આથો, ભઠ્ઠીના સાધનો અને એક ટુ-વ્હીલર મળી રૂા.૨૪૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આજે દેશી દારૂ સાથે ગોંડલ દરવાજા પાસેથી જગદીશ ગોવિંદ વેગડા, નરસંગ ટેકરી પાસેથી હંસાબેન ધનજીભાઈ ચાવડા અને કાજલબેન વિઠ્ઠલભાઈ ચાવડા, ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, લલીત હમીર વેગડા, વિજય કાંતીભાઈ વેગડા, વડલી ચોક પાસેથી ગૌરીબેન રાજેશભાઈ વાઘેલા અને ભોજાદાર પાસેથી હરેશ ઉર્ફે હરીયો દિલીપ પરમાર ઝડપાઈ ગયા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું કે જેતપુરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો કોંગ્રેસના જેતપુર,નવાગઢ નગરપાલીકાના સભ્ય શારદાબેન હમીરભાઈ વેગડાએ આક્ષેપ કરી રેલી કાઢી હતી. જયારે આજે દેશી દારૂ સાથે જે આરોપીઓ ઝડપાયા છે તેમાં લલીત શારદાબેનનો ભાઈ છે. જયારે કાજલ ભત્રીજી છે.