વડોદરામાં મકરપુરાથી જાંબુઆ તરફ જતો બ્રિજ એક વર્ષમાં પહોળો થશે
- રૂપિયા 5. 39 કરોડના ખર્ચે બ્રિજનું કામ બાર મહિનામાં થશે
વડોદરા, તા. 7 ડિસેમ્બર 2019 શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાંબુઆ ગામ તરફ જતા નદી પર રૂપિયા 5 કરોડ 39 લાખના ખર્ચે જૂનો બ્રિજ પહોળો બનાવવામાં આવશે. આ કામગીરી 12 મહિનાની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.
બ્રિજની કામગીરીનું હમણાં તાજેતરમાં જ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. શહેરના મકરપુરાથી જાંબુઆ ગામ તરફ અવરજવર કરવા માટે ઉપયોગમાં લેવાતો આ બ્રિજ ગાયકવાડી સમયનો છે. આ બ્રિજ જૂનો થઈ ગયો હોવાથી અવરજવર કરવા માટે જોખમી બન્યો છે. જેના કારણે આ સાંકડો બ્રીજ પહોળો કરીને નવો બનાવવાની જરૂર છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આ બ્રિજ હાલમાં માત્ર પાંચ મીટરની પહોળાઈ ધરાવે છે અને સાંકડો હોવાથી ખૂબ તકલીફ પડે છે. ઘણી વખત અકસ્માતના બનાવો પણ બને છે. આ બ્રિજ જુનો અને સાંકડો હોવાથી નવો તેમજ પહોળો બનાવવા વર્ષોથી રજૂઆતો થતી હતી.
સામાન્ય દિવસોમાં ટુ વ્હીલરથી લોકો આવ-જા કરે છે અને હાઈવે પર ટ્રાફિકજામનાં બનાવો બને છે ત્યારે વાહનો અહીંથી ડાઇવર્ટ કરવામાં આવે છે. કોર્પોરેશનના બ્રિજ ડિપાર્ટમેન્ટ દ્વારા સલાહકાર પાસે આ બ્રિજની મજબૂતાઈ અંગે અભિપ્રાય માગ્યો હતો.
જેથી તેણે આ બ્રિજ ટકાઉ અને અવર-જવર માટે યોગ્ય નથી. તેમ જણાવી હાઇ લેવલ બ્રિજ બનાવવા અભિપ્રાય આપ્યો હતો. જેથી બ્રિજ ડિપાર્ટમેન્ટે રૂપિયા પાંચ કરોડ 39 લાખનું ટેન્ડર મંજુર કર્યું હતું. આટલા ખર્ચ પછી બ્રિજ 12 મીટર પહોળો થશે અને લંબાઈ આશરે 100 મીટરની રહેશે.