યુવાને 9.34, યુવતીએ 13.35 મિનિટમાં ઓસમ ડુંગરને સર કર્યો
આરોહણ-અવરોહણના 10.08 અને 14.04 મિનિટના રેકોર્ડ તોડીને : ઐતહાસિક ડુંગરની 1000 ફૂટ ઉંચાઈ, આશરે 700 પગથિયાઃ 162 મહિલા સહિત 414 એ ભાગ લીધો , સતત ત્રીજા વર્ષે સ્પર્ધા
રાજકોટ, : મહાભારતકાળમાં પાંડવો જ્યાં છુપાવેશેમાં રહ્યા, જ્યાં પુરાતન ધર્મસ્થાનો આવેલા છે તેવા રાજકોટથી 109 કિ.મી.ના અંતરે ધોરાજી તાલુકાના પાટણવાવના ઐતહાસિક ઓસમ ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાઈ હતી જેમાં આજે ચેતન મેર નામના યુવાને 10.08 મિનિટનો જુનો રેકોર્ડ તોડીને માત્ર 9.34 મિનિટમાં ચઢાણ-ઉતરાણ કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો તો બહેનોમાં 14.04 મિનિટનો રેકોર્ડ તોડીને યશના ચૌહાણે માત્ર 13.41 મિનિટમાં અંતર કાપીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.
ઓસમ ડુંગરની ઉંચાઈ આશરે 1000 ફૂટ છે અને અંદાજે 700 પગથિયા છે. સ્પર્ધકોએ ઓસમ ડુંગર પર આવેલા માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ મંદિર થઈને તળેટીએ પરત આવવાનું હતું. રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર સહિત 8 જિલ્લામાંથી 162 યુવતીઓ સહિત 414 ખેલાડીઓએ તેમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ભાઈઓમાં 10.49 મિનિટ સાથે રણછોડ ડાભી દ્વિતીય નંબરે અને 10.51 મિનિટ સાથે કાલરિયા ક્રિશ તૃતિય નંબરે આવેલ છે. જ્યારે બહેનોમાં 13.41 મિનિટ સાથે ત્રિશા બાવળિયા દ્વિતીય અને 13.45 મિનિટ સાથે કૃપા પામકા તૃતિય નંબરે વિજેતા થયેલ છે.
સૌરાષ્ટ્રમાં પહેલા ગીરનાર પર્વત પર આવી સ્પર્ધા યોજાતી, હવે ચોટીલા અને ઈ.સ. 2019થી ઓસમ ડુંગર ખાતે આવી સ્પર્ધા યોજાય છે. ગત બે વર્ષ કોરોના કાળમાં સ્પર્ધા મોકુફ રહી હતી અને આજે તૃતિય સ્પર્ધા યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા 1થી 3 નંબરના વિજેતાઓને અનુક્રમે રૂ।. 25,000, રૂ।. 20,000અને રૂ।.15,000ના રોકડ પુરસ્કાર સહિત ૧થી ૧૦ નંબરના વિજેતાઓને કૂલ રૂ।.૨.૩૪ લાખના ઈનામો અપાયા હતા.
સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા 53 શિક્ષકો અને 30 સ્વયંસેવકો જોડાયા હતા અને સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ સ્પર્ધાનું સુપરવિઝન કરાયું હતું. રેડિયો ફ્રિક્વન્સી ચીપ સાથે પરિણામ તૈયાર કરાયું હતું જેમાં સેકન્ડથી ઓચો સમય પણ મપાય છે.