બેંકના નિવૃત્ત કર્મચારીના આકસ્મિક મૃત્યુ બાદ દેહદાન કરાયું
૧૫ વર્ષ અગાઉ દેહદાન માટે તેમણે સંકલ્પ કર્યો હતો
વડોદરા,બેન્ક ઓફ બરોડાના નિવૃત્ત કર્મચારી નું ૭૯ વર્ષે હાર્ટ નબળું પડવાથી મૃત્યુ થયું હતું. ૧૫ વર્ષ પહેલા તેમણે કરેલા સંકલ્પને લઇને આજે તેમના મૃતદેહનું મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે દાન કરવામાં આવ્યું હતું.
માંડવી ગેંડીગેટ રોડ સાંકડી શેરીમાં વિજયભાઈ હરિભક્તિ તેમના પત્ની શોભનાબેન, પુત્ર જતિનભાઈ તથા પરિવાર સાથે રહેતા હતા. તેઓ બેન્ક ઓફ બરોડામાં નોકરી કર્યા બાદ છેલ્લા ૨૦ વર્ષથી નિવૃત્ત થયા હતા. અને નિવૃત્ત જીવન ગુજારતા હતા. વિજય હરિભક્તિએ તેમના માતાના અંગદાનથી પ્રેરણા ના લઇ ૧૫ વર્ષ પહેલા તેમણે, તેમના પુત્ર જતિનભાઈ અને પત્ની શોભનાબેને દેહદાન માટે મેડિકલ કોલેજમાં ફોર્મ ભર્યા હતા.
આજે હરિ ભક્તિ પરિવારના મોભી વિજયભાઇનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પિતાએ દેહદાન માટે કરેલા સંકલ્પને પૂર્ણ કરવા માટે પરિવારજનો તેઓના મૃતદેહને લઈને સવારે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે દેહદાન માટેની તમામ પ્રક્રિયા પૂરી કરીને વિજયભાઇના મૃતદેહને મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સ્વીકાર્યો હતો.ઉલ્લેખનીય છે કે,વિજયભાઇના માતાનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. તે સમયે તેમના માતાના નેત્રોનું દાન કરવામાં આવ્યું હતું.